માનવીને ઈશ્વરે અનેક અમૂલ્ય ભેટો આપી છે. બુધ્ધિ, વિચારશક્તિ, લાગણી અને વાણી. એમાં વાણી સૌથી વિશિષ્ટ છે. પરંતુ માત્ર વિચાર હોવો પૂરતો નથી; તે વિચારને યોગ્ય સમયે, યોગ્ય રીતે અને યોગ્ય શબ્દોમાં વ્યક્ત કરવાની આવડત જ જીવનને સફળ બનાવે છે. એટલે જ કહેવાય છે કે ‘‘અભિવ્યક્તિની કુશળ શક્તિ જીવનની ઉત્તમ કલા છે.’’
ઘણા લોકો જ્ઞાનથી ભરપૂર હોય છે, પરંતુ પોતાની વાત સ્પષ્ટ રીતે રજૂ કરી શકતા નથી. બીજી તરફ કેટલાક લોકો સામાન્ય જ્ઞાન ધરાવતા હોવા છતાં પોતાની અભિવ્યક્તિની કળાથી સૌના મન જીતી લે છે. જીવનમાં સફળતા માત્ર પ્રતિભાથી જ મળતી નથી, પરંતુ પોતાની પ્રતિભાને દુનિયા
સમક્ષ અસરકારક રીતે રજૂ કરવાની ક્ષમતાથી મળે છે. મનમાં રહેલા વિચારોની સુગંધ ત્યારે જ પ્રસરે છે જ્યારે તે યોગ્ય શબ્દો દ્વારા વ્યક્ત થાય. મૌન ઘણી વખત મહાન હોય છે, પરંતુ જ્યાં સત્ય, પ્રેમ અને પ્રેરણાના શબ્દોની જરૂર હોય ત્યાં મૌન પણ એક પ્રકારની નિષ્ફળતા બની જાય છે.
કબીરજી એ કહ્યુ છેઃ‘‘એસી વાણી બોલીએ, મન કા આપા ખોય,
ઔરન કો શીતલ કરે, આપહું શીતલ હોય.’’
મીઠા શબ્દોની તાકાત તલવાર કરતાં વધુ હોય છે. કડવા શબ્દો ઘા આપે છે, જ્યારે મધુર શબ્દો ઘાવ ભરી પણ શકે છે. એક શિક્ષકનો ઉત્સાહભર્યો શબ્દ વિદ્યાર્થીનું ભવિષ્ય બદલી શકે છે. માતાની હિંમત આપતી વાણી સંતાનમાં આત્મવિશ્વાસ જગાવી શકે છે. મિત્રનું એક આશ્વાસનભર્યું વાક્ય
નિરાશાના અંધકારમાં દીવો પ્રગટાવી શકે છે.
અભિવ્યક્તિ એટલે માત્ર બોલવું જ નહીં. આપણા વિચારો, લાગણીઓ, વર્તન, સ્મિત, આંખોના હાવભાવ, લેખન, સંગીત, ચિત્રકલા, નૃત્ય અને મૌન પણ અભિવ્યક્તિના જ વિવિધ સ્વરૂપો છે. ક્યારેક એક મીઠું સ્મિત એવા શબ્દો કહી જાય છે, જે લાંબા ભાષણો પણ કહી શકતા નથી. સાચી અભિવ્યક્તિ હૃદયમાંથી જન્મે છે અને હૃદય સુધી પહોંચે છે.
ઇતિહાસ સાક્ષી છે કે ઉત્તમ અભિવ્યક્તિએ સમાજમાં ક્રાંતિઓ સર્જી છે. મહાત્મા ગાંધીના સરળ પરંતુ પ્રભાવશાળી શબ્દોએ લાખો લોકોને સત્ય અને અહિંસાના માર્ગે ચાલવા પ્રેર્યા. સ્વામી વિવેકાનંદના શિકાગોના ઐતિહાસિક ભાષણે સમગ્ર વિશ્વમાં ભારતીય સંસ્કૃતિનું ગૌરવ વધાર્યું. તેમની સફળતા પાછળ માત્ર જ્ઞાન જ નહોતું, પરંતુ જ્ઞાનને જીવંત રીતે રજૂ કરવાની અદ્‌ભુત કળા પણ હતી.
પરિવારમાં પણ અભિવ્યક્તિનું ખૂબ મહત્વ છે. ઘણીવાર સંબંધોમાં ગેરસમજ એટલા માટે ઊભી થાય છે કે લોકો પોતાની લાગણીઓને યોગ્ય રીતે વ્યક્ત કરી શકતા નથી. સમયસર બોલાયેલા બે પ્રેમાળ શબ્દો તૂટતા સંબંધોને બચાવી શકે છે, જ્યારે કઠોર શબ્દો વર્ષો જૂના સંબંધોમાં પણ તિરાડ પાડી શકે છે. તેથી બોલતા પહેલાં વિચારવું અને વિચાર્યા પછી જ બોલવું એ જ સમજદારી છે.
શિક્ષક, ડાક્ટર, વકીલ, પત્રકાર, વક્તા, લેખક, વેપારી કે નેતા દરેક ક્ષેત્રમાં અભિવ્યક્તિ સફળતાની ચાવી છે. એક શિક્ષકનું જ્ઞાન ત્યારે જ વિદ્યાર્થીઓ સુધી પહોંચે છે જ્યારે તે સરળ અને રસપ્રદ રીતે સમજાવે. વેપારીની સફળતા ગ્રાહક સાથેના સંવાદ પર નિર્ભર રહે છે. લેખકના શબ્દો વાચકોના હૃદયમાં સ્થાન મેળવે ત્યારે જ તેનું લેખન જીવંત બને છે.
આજના ડિજિટલ યુગમાં અભિવ્યક્તિનું મહત્વ અનેકગણું વધી ગયું છે. સોશિયલ મીડિયા, ઓનલાઈન મિટિંગ, ઈ-મેઈલ, લેખન અને જાહેર મંચો દરેક જગ્યાએ યોગ્ય ભાષા, સંયમ અને સ્પષ્ટતા જરૂરી બની છે. એક અવિચારી શબ્દ સમાજમાં વિવાદ ઊભો કરી શકે છે, જ્યારે એક સકારાત્મક સંદેશ હજારો લોકોને પ્રેરણા આપી શકે છે.
અભિવ્યક્તિની કળા જન્મજાત હોતી નથી; તેને વિકસાવી શકાય છે. સારા પુસ્તકોનું વાંચન, સારા વક્તાઓને સાંભળવા, નિયમિત લેખન, ભાષા પર પ્રભુત્વ, આત્મવિશ્વાસ અને સતત અભ્યાસ દ્વારા આ કળા ખીલે છે. જેટલી અંદરની વિચારશક્તિ સમૃધ્ધ બનશે, તેટલી અભિવ્યક્તિ પણ અસરકારક બનશે.
એક નાનકડો પ્રસંગ યાદ આવે છે. બે વિદ્યાર્થીઓને એકસરખો વિષય આપવામાં આવ્યો. બંને પાસે સમાન માહિતી હતી. પ્રથમ વિદ્યાર્થીએ ગભરાટમાં પોતાની વાત અધૂરી કહી, જ્યારે બીજા વિદ્યાર્થીએ શાંતિથી, ઉદાહરણો સાથે અને આત્મવિશ્વાસપૂર્વક રજૂઆત કરી. પરિણામે બીજા વિદ્યાર્થીને સૌની પ્રશંસા મળી. તફાવત જ્ઞાનમાં નહોતો, અભિવ્યક્તિમાં હતો.
અંતે એટલું જ કહી શકાય કે વિચારો મનમાં રાખવાથી જીવન બદલાતું નથી; યોગ્ય અભિવ્યક્તિથી વિચારોને દિશા મળે છે, સંબંધોને ઉષ્મા મળે છે, સમાજને પ્રેરણા મળે છે અને વ્યક્તિને સફળતા મળે છે. આપણું સમગ્ર જીવન સંબંધોની આસપાસ ગોઠવાયેલું છે. સંબંધોને ટકાવી રાખવા માટે
પ્રેમ જરૂરી છે, પરંતુ પ્રેમને વ્યક્ત કરવાની કળા એથી પણ વધુ જરૂરી છે. કેટલાંય સંબંધો તૂટી જાય છે કારણ કે લાગણીઓ વ્યક્ત થતી નથી. ઘણીવાર ‘‘હું તારી સાથે છું’’ જેવા ચાર શબ્દો જીવનમાં સૌથી મોટો સહારો બની જાય છે. તેથી દરેક વ્યક્તિએ પોતાની વાણીમાં મધુરતા, વિચારોમાં સ્પષ્ટતા અને અભિવ્યક્તિમાં સંવેદનશીલતા કેળવવી જોઈએ.