ખેડા જિલ્લાના માતર અને વસો તાલુકામાં અનરાધાર ખાબકેલા ભારે વરસાદે સર્વત્ર તારાજી સર્જી છે. માતરમાં ૨૦ ઇંચ જેટલો વરસાદ વરસતા વાલોત્રી, દલોલી અને બામણગામ પંથકમાં જળબંબાકાર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે. મુખ્ય માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જાવા મળ્યા હતા અને હજારો વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે.
પરિÂસ્થતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી માતરના ધારાસભ્ય કલ્પેશ પરમારે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી અને પાણીના નિકાલ માટે જેસીબીની મદદથી નાળા ખુલ્લા કરાવવાની કામગીરી હાથ ધરી હતી.
ભારે પાણી ભરાવાને કારણે ઓવરટોપિંગ અને રોડ ડેમેજ થવાથી ખેડા-બારેજા અને વસો-પીજ-નડિયાદ સહિતના ૪ સ્ટેટ હાઈવે તેમજ ગ્રામ્ય વિસ્તારોના કુલ ૧૨ રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી તંત્ર દ્વારા વૈકલ્પિક માર્ગોની વ્યવસ્થા કરી વાહનચાલકોને સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે.
બીજી તરફ, વસો તાલુકાના રામોલ ગામે પણ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે જ્યાં ગામનું દવાખાનું અને ભાગોળ જેવા મુખ્ય વિસ્તારો પાણીમાં ડૂબી જવાથી ગામ સંપર્ક વિહોણું બન્યું છે અને છેલ્લા ૨૮ કલાકથી વીજળી ગુલ થવાથી સ્થાનિકો અંધારપટમાં રહેવા મજબૂર બન્યા છે.
નોંધનીય છે કે, આ સાર્વત્રિક વરસાદને કારણે રાજ્યમાં સિઝનનો કુલ વરસાદ ૫૦ ટકા વટાવી ગયો છે અને અત્યાર સુધીમાં સરેરાશ ૫૨.૫ ટકા (એટલે કે કુલ ૨૦ ઇંચ) વરસાદ નોંધાયો છે, જે ગત વર્ષે ૨૫ જુલાઈ સુધી થયેલા ૫૧.૬ ટકા વરસાદ કરતા વધુ છે. પ્રદેશવાર નજર કરીએ તો, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ ૭૭ ટકા, મધ્ય ગુજરાતમાં ૪૪ ટકા, સૌરાષ્ટ્રમાં ૪૪ ટકા, ઉત્તર ગુજરાતમાં ૩૫ ટકા અને કચ્છ પંથકમાં ૧૯ ટકા વરસાદ નોંધાયો છે.










































