ભરૂચ જિલ્લામાં અનરાધાર વરસી રહેલા વરસાદને કારણે જનજીવન અત્યંત પ્રભાવિત થયું છે, જેમાં ખાસ કરીને ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં સ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. અહીંની અનેક આવાસ સોસાયટીઓમાં ભારે વરસાદના પાણી ફરી વળ્યા છે, જેને કારણે સ્થાનિક રહીશો મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ પર પાણી ભરાવાને બદલે સીધા સોસાયટીઓ અને ઘરની અંદર પાણી ઘૂસી જતાં લોકો પોતાના જ ઘરોમાં કેદ થઈને રહેવા મજબૂર બન્યા છે.સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, સોસાયટીઓમાં ઘૂમાવેલા પાણીનું સ્તર કેડસમા પહોંચી ગયું છે, જેના કારણે રોજિંદી અવરજવર પણ સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે. આ માનવસર્જિત કે કુદરતી આફત વચ્ચે સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર અને નગરપાલિકાની કામગીરી સામે ભારે રોષ જાવા મળી રહ્યો છે. જનતાનો આક્ષેપ છે કે પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે અને યોગ્ય નિકાલના અભાવે આ વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે.
લોકો દ્વારા કરવામાં આવેલા મુખ્ય આક્ષેપ મુજબ, નજીકમાંથી પસાર થતા બાયપાસના બ્રિજનું પાણી સીધું જ આ આસપાસની સોસાયટીઓમાં ઠલવાઈ રહ્યું છે, જેના કારણે આ વિસ્તાર પાણીની ગરકાવમાં આવી ગયો છે. પાણીના નિકાલ માટે કોઈ યોગ્ય વ્યવસ્થા ન હોવાથી રહીશો મુશ્કેલ સમયનો સામનો કરી રહ્યા છે અને તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય રાહત કામગીરી હાથ ધરવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે.









































