સુરતમાં વહેલી સવારથી અવિરત વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ફરી એકવાર સામે આવી છે. ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ અને રહેણાંક સોસાયટીઓ પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી, જેના કારણે વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ સુરત મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે અને આરોપ લગાવ્યો છે કે પ્રિ-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જ કરવામાં આવી હતી, જ્યારે મેદાન પર તેનો કોઈ અસરકારક પરિણામ જાવા મળ્યું નથી સુરતના શ્રીનિવાસ વિસ્તારમાં મુખ્ય માર્ગ પર વરસાદી પાણી ભરાઈ જતાં સમગ્ર વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. આ ઉપરાંત શહેરની અનેક સોસાયટીઓ અને મુખ્ય રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતાં લોકોની અવરજવર મુશ્કેલ બની હતી. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસા દરમિયાન આવી જ સ્થિતિ સર્જાય છે, પરંતુ સમસ્યાના કાયમી ઉકેલ માટે કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી.
અઠવાલાઈન્સ વિસ્તારમાં પણ ભારે વરસાદ બાદ પાણી ભરાઈ જતાં સ્થિતિ ગંભીર બની હતી. સાયબર પોલીસ સ્ટેશનની બહાર ઘૂંટણસમા પાણી ભરાઈ જતાં લોકોને ભારે મુશ્કેલી પડી હતી. વાહનચાલકોને પાણીમાંથી પસાર થવું પડ્યું હતું અને અનેક લોકોને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્થાનિકોએ તાત્કાલિક પાણીના નિકાલ માટે અસરકારક વ્યવસ્થા કરવાની માંગ કરી છે.શહેરના વેસુ વિસ્તારમાં આવેલા શ્યામ મંદિર નજીકના વીઆઇપી રોડ પર પણ વરસાદી પાણી ભરાઈ જતાં જળબંબાકાર જેવી Âસ્થતિ સર્જાઈ હતી. સ્થાનિકોનું કહેવું છે કે સુરત શહેરમાં સામાન્ય વરસાદ પડે ત્યારે પણ પાણી ભરાવાની સમસ્યા ઉભી થઈ જાય છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે મહાનગરપાલિકાના કમિશનરે અગાઉ સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપી હોવા છતાં આજદિન સુધી સમસ્યાનું કોઈ યોગ્ય નિરાકરણ આવ્યું નથી.
બીજી તરફ નવસારીમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. માત્ર બે કલાકમાં લગભગ ૧ ઈંચ વરસાદ નોંધાતા શહેરના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. સિટી ગાર્ડન સોસાયટી અને રોયલ પાર્ક સોસાયટીને જાડતો મુખ્ય માર્ગ સંપૂર્ણપણે પાણીમાં ડૂબી ગયો હતો. રસ્તા પર પાણી ફરી વળતાં વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો અને ટ્રાફિકની સમસ્યા પણ સર્જાઈ હતી.નવસારીના મુખ્ય માર્ગો સહિત રિંગરોડથી છાપરા રોડ સુધી વરસાદી પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું. સ્થાનિકોનું કહેવું છે કે દર વર્ષે ચોમાસામાં આ જ સ્થિતિ સર્જાય છે અને અનેક વખત રજૂઆત કરવા છતાં સમસ્યાનું કાયમી સમાધાન કરવામાં આવ્યું નથી. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે વરસાદી પાણીના ઝડપી નિકાલ અને અસરકારક ડ્રેનેજ વ્યવસ્થા ઉભી કરવાની માંગ કરી છે, જેથી આગામી દિવસોમાં લોકોને આવી મુશ્કેલીઓનો સામનો ન કરવો પડે.