વડોદરા શહેરમાં ૨૧ વર્ષીય યુવકના શંકાસ્પદ મોતની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ છે. વરણા પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળ આવેલા ડભોઈ રોડ પર કુબેર એક્સપ્રેશન એપાર્ટમેન્ટના એક ફ્લેટમાંથી યુવકનો મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે. મૃતકની ઓળખ મકરપુરા વિસ્તારની ચિત્રકૂટ સોસાયટીમાં રહેતા આકાશ રવિન્દ્ર પાટીલ તરીકે થઈ છે.પ્રાથમિક માહિતી મુજબ, આકાશ ખાનગી કંપનીમાં નોકરી કરતો હતો. નોકરી પરથી ઘરે પરત ન ફરતાં પરિવારજનો ચિંતિત બન્યા હતા. પિતા રવિન્દ્ર પાટીલ આખી રાત પોતાના દીકરાની શોધખોળ કરતા રહ્યા, પરંતુ તેનો કોઈ પત્તો મળ્યો નહોતો.તપાસ દરમિયાન જાણવા મળ્યું કે આકાશ પોતાની બાઈક માંજલપુર સ્તથિ ઈવા મોલ નજીક પાર્ક કરીને પોતાના મિત્રો રાજેશ ઉર્ફે રાજ ઓઝા અને અજય પરમાર સાથે અજયના ફ્લેટ પર ગયો હતો. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, ત્યારબાદ બંને મિત્રો ફ્લેટમાંથી બહાર નીકળી ગયા હતા. ઘટનાના સંજાગોને ધ્યાનમાં રાખીને પોલીસે બંને મિત્રોની પૂછપરછ શરૂ કરી છે.મૃતકના પિતા રવિન્દ્ર પાટીલે જણાવ્યું કે સાંજે દીકરો ઘરે ન પહોંચતાં તેમણે તેની ઓફિસ સહિત અન્ય સંભવિત સ્થળોએ શોધખોળ કરી હતી. તેમને સતત આશા હતી કે દીકરો ઘરે પાછો આવશે, પરંતુ મોડી રાત સુધી તે ન આવતાં તેઓ ઘરે પરત ફર્યા અને સવારે પોલીસનો સંપર્ક કરવાનો નિર્ણય લીધો.સવારે દીકરાના મિત્રોને સંપર્ક કરતાં ઘટનાક્રમની માહિતી મળી હતી. ત્યારબાદ તેઓ મિત્રોને સાથે લઈને અજયના ફ્લેટ પર પહોંચ્યા, જ્યાં આકાશ બેભાન હાલતમાં મળી આવ્યો હતો. તાત્કાલિક ૧૦૮ એમ્બ્યુલન્સને બોલાવવામાં આવી હતી, પરંતુ તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. ત્યારબાદ સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.વરણા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે. હાલ મૃત્યુનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. પોલીસનું કહેવું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને ફોરેન્સિક તપાસ બાદ જ મોતનું સાચું કારણ સામે આવશે. આ સાથે સમગ્ર ઘટનાના તમામ પાસાઓની તપાસ ચાલી રહી છે. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે તપાસ પૂર્ણ થયા બાદ જ ઘટનાની વાસ્તવિક હકીકત અંગે સત્તાવાર માહિતી આપવામાં આવશે.








































