કાગવડ ખોડલધામના સ્થાપક ટ્રસ્ટી નરેશભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સમગ્ર સૌરાષ્ટ્રમાં વિવિધ સેવાકીય કાર્યો કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત અમરેલી જિલ્લાના વડિયા ખાતે ખોડલધામ સમિતિ દ્વારા એક ભવ્ય રક્તદાન કેમ્પનું આયોજન કરીને દર્દીનારાયણની સેવા સાથે જન્મદિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈ ઊંધાડના સીધા માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ કેમ્પમાં રક્તદાતાઓ દ્વારા ઉત્સાહપૂર્વક ૫૧ બોટલ જેટલું રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. વડિયામાં બપોરે ચાર વાગ્યાથી શરૂ થયેલા આ કાર્યક્રમમાં સમાજના તમામ વર્ગોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.આ કેમ્પની ખાસ વિશેષતા એ રહી કે તેમાં સ્થાનિક મહિલાઓ ઉપરાંત પૂજ્ય સંતોએ પણ રક્તદાન કરીને સમાજને ‘રક્તદાન મહાદાન’નો પ્રેરણાદાયી સંદેશ આપ્યો હતો. કાર્યક્રમમાં વડિયા સ્વામિનારાયણ દિવ્યધામના શ્રી આનંદસ્વરૂપ સ્વામી અને પ્રેમસ્વરૂપ સ્વામી, કંથડનાથજીની મઢીથી ભરતનાથબાપુ તેમજ બિલેશ્વર મહાદેવ મંદિરથી શ્રી વિભૂતિનાથ બાપુએ ખાસ ઉપસ્થિતિ દર્શાવી હતી. ખોડલધામના સૌરાષ્ટ્ર ઝોન કન્વીનર બાવકુભાઈ ઊંધાડ, જિલ્લા કન્વીનર રમેશભાઈ કાથરોટીયા, વડિયા વિસ્તાર કન્વીનર પરેશભાઈ કોટડીયા અને સહ કન્વીનર સત્યમભાઈ માકાણી સહિત ખોડલધામ સમિતિના આગેવાનો અને અન્ય સમાજના અગ્રણીઓએ ભારે જહેમત ઉઠાવીને આ સમગ્ર રક્તદાન કેમ્પને સફળ બનાવ્યો હતો.






































