અમરેલી એસ.ઓ.જી. ટીમે બાતમીના આધારે અમરેલી ટાઉન વિસ્તારની બટારવાડી શેરી નંબર-૧ માં આવેલા ‘માતંગી નિવાસ’ નામના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં સંજયભાઇ રમેશભાઇ વિરાણી (ઉ.વ. ૪૪) નામનો ઈસમ વનસ્પતિ તેલ અને વનસ્પતિ ઘીનું મિશ્રણ કરી શંકાસ્પદ નકલી ઘી બનાવતા અને તેનું પેકિંગ કરતા રંગેહાથ ઝડપાયો હતો.પોલીસે ઘટનાસ્થળેથી શંકાસ્પદ ઘીનો ૧૯ કિલો જથ્થો, પેકિંગ કરવાના ખાલી પ્લાસ્ટિકના ડબ્બા, સીલિંગ મશીન, ગેસ સિલિન્ડર, ઈલેક્ટ્રિક વજન કાંટો અને અન્ય સાધન સામગ્રી સહિત કુલ રૂ. ૩૫,૫૫૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.આ મામલે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓને સ્થળ પર બોલાવી શંકાસ્પદ ઘીના સેમ્પલ ચકાસણી અર્થે મોકલી આપવામાં આવ્યા છે. પોલીસે હાલ આ અંગે જાણવા જોગ રજીસ્ટર કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.







































