તાજેતરમાં અમરેલી, ધારી અને ખાંભા તાલુકામાં થયેલા ભારે વરસાદને પગલે ઊર્જા અને કાયદો રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાએ વિવિધ અસરગ્રસ્ત ગ્રામ્ય પંથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમણે ખેતીવાડી અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું જાતે જ નિરીક્ષણ કર્યું હતું. આ મુલાકાત દરમિયાન તેમની સાથે ધારી-બગસરાના ધારાસભ્ય જે.વી. કાકડિયા અને રાજુલાના ધારાસભ્ય હિરાભાઈ સોલંકી પણ જોડાયા હતા. મંત્રીએ કેરિયાચાડ, ખડ ખંભાળિયા, શંભુપરા, સોનારિયા, ગરમલી, કથીવદર, ચરખા અને કંટાળા સહિતના અનેક ગામોની પ્રત્યક્ષ મુલાકાત લઈને ગ્રામજનો પાસેથી વિગતો મેળવી હતી. આ દરમિયાન તેમણે વરસાદી નુકસાન, સ્થાનિક નદી-નાળાની સ્થિતિ અને ધોવાણ પામેલા મુખ્ય તથા આંતરિક રસ્તાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું.સ્થાનિક લોકોની રજૂઆતો અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને મંત્રીએ રોડ-રસ્તાની તાત્કાલિક મરામત કરવા, પૂરના પાણીથી બચાવ માટે સુરક્ષા દિવાલ (પ્રોટેક્શન વોલ) બનાવવા તેમજ આવાગમન માટે નવા માઇનર બ્રિજ અને સ્લેબડ્રેઇન સહિતના કામો ઝડપભેર કરવા સંબંધિત અધિકારીઓને સ્થળ પર જ સૂચનાઓ આપી હતી. ભારે વરસાદના કારણે ખોરવાયેલા વીજ માળખા અંગે ગંભીરતા દાખવીને મંત્રીએ ધરાશાયી થયેલા વીજપોલ અને ક્ષતિગ્રસ્ત વીજલાઈનોનું રીસ્ટોરેશન કામ ઝડપથી પૂર્ણ કરવા પી.જી.વી.સી.એલ.ના તંત્રને આદેશ આપ્યો હતો. ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે તે માટે ખેતીવાડી ક્ષેત્રનો વીજ પુરવઠો ટૂંકા સમયમાં પૂર્વવત કરવા તાકીદ કરી હતી. આ મુલાકાત વખતે સ્થાનિક હોદ્દેદારો, સરપંચો, પ્રાંત અધિકારીઓ અને વિવિધ વિભાગના ઈજનેરો ઉપસ્થિત રહ્યા હતા.