અમરેલી જિલ્લાના ધારી તાલુકાના જર ગામ નજીક આવેલી ડેમની કેનાલના માપ લેવલ માટેના કૂવામાંથી મોટી માત્રામાં બાયોમેડિકલ વેસ્ટ મળી આવતા ચકચાર મચી ગઈ છે. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક રહીશોમાં તીવ્ર નારાજગી અને ચિંતા ફેલાઈ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ મેડિકલ વેસ્ટ ત્યાં લાંબા સમયથી પડ્‌યો હોવાની પૂરેપૂરી શક્યતા છે.સૌથી મોટો ખતરો એ છે કે આ દૂષિત કચરો કેનાલના વહેતા પાણી સાથે ભળી જશે તો આસપાસના ગ્રામ્ય વિસ્તારોના લોકોના આરોગ્ય પર તેની ગંભીર અને જીવલેણ અસરો થઈ શકે છે. આ ગેરકાયદેસર રીતે ફેંકાયેલા કચરામાં વપરાયેલી સિરિન્જ, ગ્લોવ્સ, ડ્રેસિંગ મટીરિયલ અને નકામી દવાઓ સામેલ છે, જે ચેપજન્ય રોગોચાળો ફેલાવી શકે છે. સ્થાનિકોએ તંત્ર પાસે માંગ કરી છે કે આ જવાબદારો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, કચરાનો વૈજ્ઞાનિક ઢબે તાત્કાલિક નિકાલ થાય અને કેનાલના પાણીની ગુણવત્તાની યોગ્ય ચકાસણી કરવામાં આવે જેથી કોઈ મોટું સ્વાસ્થ્ય સંકટ ઊભું ન થાય. પ્રશાસન દ્વારા આ મામલે ટૂંક સમયમાં તપાસ શરૂ થાય તેવી સંભાવના છે.