અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી પડેલા ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા પ્રભારી અને કૃષિમંત્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજાઈ હતી. બેઠકમાં રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, ધારાસભ્યો જે.વી. કાકડિયા, હિરાભાઈ સોલંકી, મહેશભાઈ કસવાલા, જિલ્લા પંચાયત પ્રમુખ દક્ષાબેન ચોડવડીયા, જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ સહિત જિલ્લાના વિવિધ અધિકારીઓ અને પદાધિકારીઓ જોડાયા હતા. બેઠક દરમિયાન જિલ્લામાં ચાલી રહેલી બચાવ કામગીરી, રોડની સ્થિતિ, વીજ પુરવઠો અને ડેમોની સ્થિતિ અંગે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી.જિલ્લામાં ધારી, ચલાલા, ખાંભા, રાજુલા, જાફરાબાદ, સાવરકુંડલા અને લીલીયા વિસ્તારમાં સૌથી વધુ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જતા બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. લીલીયા તાલુકાના બવાડી ગામમાંથી આઠ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. ધારીના મીઠાપુર, ડુંગરી, ચલાલા તેમજ કથીવદર વિસ્તારમાં ફસાયેલા લોકોનું પણ રેસ્ક્યુ કરીને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. એનડીઆરએફ અને ફાયર વિભાગની ટીમો સતત મેદાનમાં કામગીરી કરી રહી છે. જિલ્લામાં અત્યાર સુધી બે માનવમૃત્યુ અને ચાર પશુના મોત નોંધાયા છે જ્યારે બાર કાચા મકાનોને નુકસાન પહોંચ્યું હોવાનું પણ બેઠકમાં જણાવાયું હતું.ભારે વરસાદના કારણે અનેક રસ્તાઓ પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો. હાલમાં કાતર કોટડી અગરિયા રોડ, ચાંચ-ખેરા-પટવા-સમઢિયાળા રોડ, ચલાલા-ગરમલી-ચરખા રોડ, બાબરા-દરેડ-નાની કુંડળ રોડ, સેલના ફિફાદ-લુવારા-શેત્રુંજી બ્રિજ અને લાઠી-લીલીયા રોડ સહિત કુલ છ રસ્તા હજુ બંધ છે. નુકસાન પામેલા રસ્તાઓને ઝડપથી પૂર્વવત કરવા માટે દસ ટીમો સતત કામગીરી કરી રહી છે.જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે લોકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે રીતે તમામ વિભાગો સંકલન સાથે કામગીરી કરે અને માર્ગોની મરામત ઝડપથી પૂર્ણ કરવામાં આવે. કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે રાજુલા અને જાફરાબાદ સહિત જ્યાં વીજપોલ ધરાશાયી થયા છે ત્યાં વીજ પુરવઠો વહેલી તકે પૂર્વવત કરવામાં આવશે.જિલ્લાના વિવિધ ડેમોમાં વરસાદના કારણે પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ધાતરવડી-૧, ખોડિયાર-૨, ઠેબી, રાયડી, સુરજવડી અને ધાતરવડી-૨ ડેમમાં નિયંત્રણ મુજબ દરવાજા ખોલવામાં આવ્યા છે અને અસરગ્રસ્ત ગામોને અગાઉથી એલર્ટ કરવામાં આવ્યા છે. તમામ ડેમ પર ચોવીસ કલાક દેખરેખ રાખવામાં આવી રહી છે અને હાલ તમામ ડેમ સલામત હોવાનું વહીવટી તંત્રએ જણાવ્યું છે. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા પોલીસ વડા, માર્ગ અને મકાન વિભાગ, ખેતીવાડી વિભાગ, શિક્ષણ વિભાગ સહિત જિલ્લાના તમામ અધિકારીઓએ વર્ચ્યુઅલ રીતે જોડાઈને વરસાદી પરિસ્થિતિ અંગે માહિતી આપી હતી.





































