દક્ષિણ ગુજરાતમાં ચોમાસું રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાને પગલે ‘રેડ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. ગઈકાલ સોમવાર (૬ જુલાઈ)ની મોડી રાતથી શરૂ થયેલો ધોધમાર વરસાદ આજે મંગળવારે સવારે પણ અવિરતપણે વરસી રહ્યો છે, જેના કારણે સમગ્ર જનજીવન પ્રભાવિત થયું છે. સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સુરત શહેરની તમામ સ્કૂલો બંધ રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજ રીતે નવસારી જિલ્લામાં વરસાદની સ્થિતિને જોતાં શાળા કોલેજામાં રજા જાહેર કરાઈ છે.
હવામાન ખાતાના મોડી રાત્રિના બુલેટિન અને ભારે વરસાદની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સુરત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા વિદ્યાર્થીઓની સલામતી માટે એક મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકા અને જિલ્લાની તમામ નગરપાલિકા વિસ્તારોમાં આવેલી તમામ શાળાઓમાં આજે (૦૭/૦૭/૨૦૨૬, મંગળવાર) વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ રજા જાહેર કરવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોની શાળાઓ માટે સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને શાળાએ બોલાવવા કે નહીં તે અંગેનો અંતિમ નિર્ણય શાળાના આચાર્યઓએ પોતાની વિવેકબુદ્ધિ અને વિદ્યાર્થીઓના હિતને સર્વોપરી રાખીને લેવાનો રહેશે.
નવસારી જિલ્લામાં વરસાદની સ્થિતિને જોતાં શાળા કોલેજામાં રજા જાહેર કરાઈ છે. નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરુવાણીએ મોડી રાતે ટ્વીટ કરી આ વિશે માહિતી આપી છે. નવસારી અને ઉપરવાસના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જિલ્લાની આંગણવાડી, શાળાઓ, કોલેજા અને આઇટીઆઇ બંધ રાખવાની જાહેરાત કરી છે. જોકે જિલ્લા કલેક્ટરની જાહેરાત છતાં ઘણી શાળાઓમાં ચાલુ રહી છે.
મોડી રાતથી પડી રહેલા અનરાધાર વરસાદને કારણે સુરત શહેર અને આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. રસ્તાઓ પર પાણી ફરી વળતા વહેલી સવારથી જ વાહનચાલકો અને નોકરિયાત વર્ગ મુશ્કેલીમાં મુકાયો છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા અને ઈમરજન્સી સેવાઓ માટે સુરત કોર્પોરેશન દ્વારા કંટ્રોલરૂમને ૨૪ કલાક કાર્યરત કરી દેવામાં આવ્યો છે.
સુરત જિલ્લા કલેક્ટર પોતે સમગ્ર સ્થિતિ પર સીધી નજર રાખી રહ્યા છે. પૂર અને પાણી ભરાવાની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી પળેપળની માહિતી મેળવીને વહીવટી તંત્રને ‘રાઉન્ડ ધ ક્લોક’ સજ્જ રહેવા અને બચાવ રાહત કામગીરી માટે એલર્ટ રહેવા આદેશો આપવામાં આવ્યા છે.






































