આવું કહીને ટીનાને સાસુજી વિરુધ્ધ ઉશ્કેરી અર્થાત્ ચઢાવી. હવે, ખરેખર તો ટીનાના સાસુ બિચારા સહજભાવે વાત કરતા હતા, તો પછી, જીજ્ઞાએ વાતને વધારીને કહેવાની શું આવશ્યકતા હતી? બલ્કે, કોઈની વાતો સાંભળવાની પણ ક્યાં જરૂર હતી?
ટીનાએ ઘેર જતાં વેંત જ સાસુ સાથે ઝઘડો કર્યો. પતિ ચિંતન ઘેર આવ્યો, એટલે તેનેય ચઢાવ્યો અને પોતે સાસુ સાથે બોલવાનું બંધ કર્યું. ધીમે ધીમે તકરાર એટલી હદે વધવા પામી કે, ચિંતનને પોતાની જ માતાથી અલગ થવું પડ્‌યું. જીજ્ઞાની આ ચાડી એ સાસુ-વહુના મીઠા સંબંધોમાં તિરાડ જ ન પાડી, બલ્કે, બે ટુકડા જ કરી નાંખ્યા. ચુગલીખોર સ્ત્રીઓ કેવી હોય છે… અને, તેમના કરતૂતોને કારણે સુખી પરિવારોની દશા કેટલી ખરાબ થાય છે, તે આવી સ્ત્રીઓને કેમ સમજાતું નહીં હોય..! કેટલાય કિસ્સાઓ ના પરિવારોમાં વિખવાદ પડાવવામાં આવી સ્ત્રીઓ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ચાડી-ચુગલી કરવાની કુટેવ સ્ત્રીઓમાં વધુ પડતી જોવા મળે છે. ‘કોણ શું કરી રહ્યું છે.’, ‘કોણ ક્યાં ગયું છે?’, ‘ફલાણી કેટલા દિવસથી પિયર કે સાસર ગઈ છે,’, ‘કોણ કોને શું કહેતું હતું? એના ઘરે કોણ આવ્યું હતું?’, ‘એના પરિવારમાં કેવા પ્રકારના કજીયા થાય છે?’, ‘એના ઘરમાં કોને-કોને મનમેળ નથી’, ‘એની પાસે કેટલી સાડી, ધનસંપત્તિ, દાગીના છે..?’, ‘એના ઘર કેટલા ભૌતિક સુખો છે?’ વગેરે પ્રકારની ચર્ચા સ્ત્રીઓ કરતી હોય છે. જોકે, બધી જ સ્ત્રીઓ ચાડી-ચુગલીકર્તા હોતી નથી, પણ, કેટલીક સ્ત્રીઓ પોતે જ પોતાનો સ્વભાવ ચાડી-ચુગલીખોર બનાવી મૂકે છે.
ચાડી-ચુગલીખોર મહિલાઓ-યુવતીઓ માટે સોનેરી શિખામણોઃ
(૧) કોઈ ખાસ પ્રકારના પુરાવા વગર ચાડી કરવાની ટેવ ના રાખો.
(૨) તમારે મતલબ ન હોય તેવી સાચી ચાડી-ચુગલીમાંયે તમારે પડવાની કોઈ જ આવશ્યકતા નથી.
(૩) કોઈના પરિવારે, કોઈના મા-બાપને કે કોઈના પતિ-પત્નીને નુકસાન પહોંચાડે તેવી ચાડી-ચુગલી હરગીઝ ના કરશો.
(૪) ક્યારેક કોઈ વાત કહેવાની આવશ્યકતા જણાય તો ઘટના સમયની જ અક્ષરશઃ વાતો કરો, તેમાં વધારો કરવાની વૃત્તિ ના રાખો.
(૫) હકારાત્મક રૂપે થયેલી વાતોને નકારાત્મક રૂપે રજૂ ન કરો, આનાથી સામી વ્યક્તિઓનો મનમેળ તૂટવા પામે છે.
(૬) ભૂલથીયે એવી વાતો ન કરવી કે જેથી અર્થનો અનર્થ થઈ જાય.
(૭) કોઈની સાંભળેલી વાતોને અન્ય સુધી પહોંચાડવાનો આપણો લેશમાત્ર ધર્મ નથી. તેથી, આવી વણમાગી પંચાત ન કરો.
(૮) પારકી પંચાતમાં પડવાનું ટાળો, કેમકે, આપણે આપણને કે આપણા પરિવારને જ જોઈશું તો જણાશે કે, આપણી જ ઘણી પંચાત બાકી છે.
(૯) કોઈ વ્યક્તિની કોઈ વાત અન્યને કરવાનો પ્રસંગ બને તો…, જે વાત કરવાની હોય તે જ કરવી અન્ય ન કરવી…, રજૂઆત હકારાત્મક રાખવી, ઓછા શબ્દોમાં વધુ કહેવાય તે પધ્ધતિથી વાત કરવી.
(૧૦) વ્યર્થ, ફાલતુ, લાંબી, અર્થહીન, સંબંધ વગરની કે કરવાખાતરની વાતો ક્યારેય ન કરો.
(૧૧) તમારી કે અન્યની પ્રતિષ્ઠા જોખમાય તેવી વાતો હરગીઝ ન કરો, કેમકે, કોઈ એક વ્યક્તિની પ્રતિષ્ઠાની અસર સમગ્ર કુટુંબ પર પડે છે.
(૧૨) જ્યાં ચાડી-ચુગલીની જરૂર જણાય અથવા ચાડી-ચુગલી કર્યા વિના ચાલે તેમ જ ના હોય અથવા ચાડી-ચુગલી થી કોઈનું હિત સચવાતું હોય અથવા ચાડી-ચુગલી કરવાથી કોઈનું ભલું થતું હોય તો.. પણ, મર્યાદામાં રહીને જ ચાડી-ચુગલી કરવી.
(૧૩) અન્યને નુકસાન પહોંચાડવાના, ઝઘડા કરાવવાના કે પોતાના મનોરંજન ખાતર ક્યારેય ચાડી-ચુગલી ન કરશો.
ચાડી-ચુગલી કરનાર સ્ત્રીને ક્યારેક હાસીપાત્ર, ક્યારેક કોઈની નિંદાને પાત્ર કે અપમાનિત થવું પડે છે. તેથી, મહિલાઓએ ચાડી-ચુગલીથી હંમેશા દૂર જ રહેવું જોઈએ.
sanjogpurti@gmail.com