અમરેલી જિલ્લામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ સરકારી વિકાસકામોની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર રાજુલા નજીક આવેલા ચારનાળા બ્રિજ પર સીસી રોડમાં મોટી તિરાડો પડતા વાહનચાલકોમાં ચિંતા ફેલાઈ છે. થોડા દિવસો અગાઉ જ આ સ્થળે સમારકામ કરીને રોડ પર થીંગડા મારવામાં આવ્યા હતા, પરંતુ પ્રથમ વરસાદ બાદ ફરી એ જ જગ્યાએ રોડ ફાટી જતાં સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે હાઈવેના નિર્માણ દરમિયાન ગુણવત્તા જાળવવામાં આવી નથી. સમારકામ બાદ પણ રોડ ફરી તૂટી જતાં કોન્ટ્રાક્ટર કંપની અને સંબંધિત અધિકારીઓની કામગીરી સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે. લોકોનું કહેવું છે કે માત્ર દેખાવ પૂરતું સમારકામ કરવામાં આવ્યું હતું અને કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નહોતો.રાજુલા-જાફરાબાદ-પીપાવાવ કોસ્ટલ બેલ્ટમાંથી પસાર થતો આ નેશનલ હાઈવે રાજ્યનો મહત્વનો માર્ગ ગણાય છે. આ માર્ગ પરથી ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ સહિત અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં વાહનો દીવ અને સોમનાથ તરફ અવરજવર કરે છે. ભારે વાહનોની સતત અવરજવરને કારણે બ્રિજ પર પડેલી તિરાડો વધુ જોખમી બની રહી છે.આ બ્રિજને બન્યાને અંદાજે દોઢ વર્ષ અને સમગ્ર હાઈવેને તૈયાર થયાને લગભગ બે વર્ષ જેટલો સમય થયો છે. છતાં આટલા ટૂંકા ગાળામાં રોડ અને બ્રિજ પર ભંગાણ પડતા કામની ગુણવત્તા અંગે ગંભીર શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સૌથી ચિંતાજનક બાબત એ છે કે તિરાડો પડ્‌યા હોવા છતાં હાઈવે પર વાહનવ્યવહાર યથાવત ચાલુ છે.સ્થાનિકોનું માનવું છે કે જો સમયસર યોગ્ય સમારકામ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.મહુવાથી રાજુલા અને ઉના સુધીના સમગ્ર હાઈવે પ્રોજેક્ટમાં અનેક સ્થળોએ રોડ અને બ્રિજની ગુણવત્તા અંગે અગાઉ પણ આક્ષેપો થયા હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. કારચાલક પ્રિતેશભાઈ સહિત અનેક લોકોએ કેન્દ્ર સરકાર સમક્ષ સમગ્ર પ્રોજેક્ટની સ્વતંત્ર તપાસ કરાવવાની માંગ કરી છે. સ્થાનિકોની માંગ છે કે નબળી ગુણવત્તાનું કામ કરનાર કોન્ટ્રાક્ટર કંપની તેમજ કામની યોગ્ય ચકાસણી કર્યા વગર બિલ પાસ કરનારા જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. સાથે જ ચારનાળા બ્રિજનું તાત્કાલિક તકનીકી નિરીક્ષણ કરીને કાયમી સમારકામ કરવામાં આવે અને જરૂરી હોય તો વાહનવ્યવહાર પર નિયંત્રણ મૂકવામાં આવે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ટાળી શકાય.