ગુજરાત સીઆઇડી ક્રાઇમના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલી ‘મ્યુલ હંટ ૨.૦’ કામગીરી દરમિયાન કરોડો રૂપિયાની આંતરરાજ્ય સાયબર ઠગાઈનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. પોલીસએ આ કેસમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ મેટ્રિમોનીયલ સાઇટ મારફતે ઓળખાણ વધારી અને બાદમાં ફોરેક્સ ટ્રેડિંગમાં મોટા નફાની લાલચ આપી રૂ.૨.૩૦ કરોડની છેતરપિંડી આચરી હતી.
પોલીસના જણાવ્યા મુજબ, આરોપીઓએ જીગ્યાસા કપુર નામથી દિલસફર એપ મારફતે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ રોબોફોરેકસ નામની વેબસાઇટ પર ટ્રેડિંગ એકાઉન્ટ ખોલાવી શરૂઆતમાં રૂ.૫૦ હજારનું રોકાણ કરાવ્યું હતું. શરૂઆતમાં નફો બતાવી વિશ્વાસ જીત્યા બાદ આરોપીઓએ ટેલિગ્રામ મારફતે વિવિધ બેંક ખાતાઓમાં સતત વધુ રકમ ટ્રાન્સફર કરાવી હતી.
ફરિયાદીએ કુલ રૂ.૧.૪૭ કરોડનું રોકાણ કર્યા બાદ વેબપોર્ટલ પર મોટી કમાણી દર્શાવવામાં આવી હતી. ત્યારબાદ એકાઉન્ટ લોક થઈ ગયું હોવાનું જણાવી તેને અનલોક કરવા માટે રૂ.૮૩ લાખ ભરાવવા કહેવામાં આવ્યું હતું. ઉપરાંત વિથડ્રાલ ચાર્જ સહિત અન્ય બહાનાં હેઠળ વધુ રકમ વસૂલવામાં આવી હતી. આમ કુલ રૂ.૨.૩૦ કરોડ લીધા છતાં ફરિયાદીને એક પણ રૂપિયા પરત આપવામાં આવ્યા નહોતા.તપાસ દરમિયાન ખુલ્યું કે આરોપીઓએ આર પી કેમિકલ્સ નામે બેંક એકાઉન્ટ ખોલાવી તેની કિટ અન્ય આરોપીઓને કમિશનના આધારે આપી હતી. ત્યારબાદ રાજકોટ, દિલ્હી અને નેપાળ સુધી ફેલાયેલા નેટવર્ક મારફતે આ ખાતાઓમાં આવેલી રકમનું ટ્રાન્સફર કરી સાયબર ઠગાઈ ની કમાણી સગેવગે કરવામાં આવતી હતી.સીઆઇડી ક્રાઇમએ તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી ૭ મોબાઇલ ફોન તેમજ બનાવટી આધાર કાર્ડ અને પાન કાર્ડ સહિતના દસ્તાવેજા કબજે કર્યા છે.
પોલીસ તપાસમાં વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે. એનસીસીઆરપી પોર્ટલ પર તપાસ કરતાં આર પી કેમિકલ્સના બેંક ખાતા સામે સમગ્ર દેશમાં કુલ ૩૧ સાયબર ફ્રોડની ફરિયાદો નોંધાયેલી મળી આવી છે. આ તમામ કેસોમાં મળીને અંદાજે રૂ.૧૫.૩૧ કરોડથી વધુની સાયબર ઠગાઈ થયાનું સામે આવ્યું છે.
ઝડપાયેલા આરોપીઓમાં રાજ અતુલભાઈ પડસાલા (આણંદ),યાજ્ઞિક અશોકભાઈ રામાણી (રાજકોટ),લક્ષ્મણ જયંતિલાલ વાઘેલા (રાજકોટ),ડો. જયદીપકુમાર બટુકલાલ આરદેસણા (રાજકોટ), સાગર ભીમજીભાઈ ગોકાણી (રાજકોટ),સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ, સીઆઇડી ક્રાઇમની ટીમ દ્વારા સમગ્ર ઓપરેશન સફળતાપૂર્વક પાર પાડી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ ગેંગ દ્વારા દેશભરમાં અનેક લોકોને આવી જ રીતે ઠગવામાં આવ્યા હોઈ શકે છે.