અમરેલી જિલ્લામાં આગામી તા. ૨૩, ૨૪ અને ૨૫ જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયા, સાંસદ, જિલ્લા પંચાયતના પ્રમુખ, ધારાસભ્યો તેમજ રાજ્ય સરકારના પ્રતિનિધિઓ વિવિધ ગામોની શાળાઓમાં હાજરી આપી વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાવશે.તા. ૨૩ જૂનના રોજ મંત્રીકૌશિકભાઈ વેકરીયા અમરેલી તાલુકાના વાંકિયા, ગાવડકા અને કમીગઢ ગામોની શાળાઓમાં પ્રવેશોત્સવમાં ભાગ લેશે. જિલ્લા પ્રભારી સચિવ સંદીપ કુમાર રાંઢીયા, રીકડિયા અને નાના આંકડિયા ગામોમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવશે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા વિકાસ અધિકારી કે.જે. જાડેજા સહિત વહીવટી તંત્રના અધિકારીઓ પણ વિવિધ વિસ્તારોમાં કાર્યક્રમોમાં જોડાશે. જિલ્લામાં આ વર્ષે બાલવાટિકામાં ૧૦,૯૭૯, ધોરણ-૧માં ૧૨,૬૪૬, બાલવાટિકા સિવાયના ૪૧૨, ધોરણ-૬માં ૨૨,૦૮૮, ધોરણ-૯માં ૨૦,૮૭૬ અને ધોરણ-૧૧માં ૧૬,૦૦૫ વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવશે.