ગત રાતથી જ નવસારીના આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા અને પવન ફૂંકાઈ રહ્યો હતો, જે મેઘરાજાના આગમનના સંકેત આપી રહ્યા હતા. આજે સવારે શહેરના પૂર્વ વિસ્તારો જેવા કે સર્કિટ હાઉસ, તીઘરા, લુન્સીકુઈ અને કાળિયાવાડી સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદી ઝાપટાં પડ્યા હતા. વરસાદ પડતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને માટીની ભીની ખુશ્બુથી વાતાવરણ આહલાદક બની ગયું હતું. જો કે, ચોમાસાની સત્તાવાર શરૂઆત પહેલાં હજુ પણ ધરતીપુત્રો અને શહેરીજનો સાર્વત્રિક અને સારા વરસાદની આશા રાખી રહ્યા છે.
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી બે દિવસ દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. હાલમાં દક્ષિણ ગુજરાતના દરિયાઈ વિસ્તારોમાં પવનની દિશા દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ તરફની છે. આ ઉપરાંત, ૧૮ જૂને એક નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહી છે, જે ઉત્તર અને પશ્ચિમ ભારત પર અસર કરી શકે છે. આગામી ૩ થી ૪ દિવસમાં ચોમાસું મધ્ય અરબ સાગર, ઝારખંડ અને બિહારના વિસ્તારોમાં આગળ વધે તેવી સંભાવના છે.
સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસું બેસવાની સત્તાવાર તારીખ ૧૫ જૂન છે અને ૩૦ જૂન સુધીમાં તે સમગ્ર રાજ્યને આવરી લે છે. પરંતુ આ વખતે ૧૫ જૂન વીતી ગઈ હોવા છતાં સત્તાવાર એન્ટ્રી ન થતાં ચિંતા વધી છે. હવામાન એજન્સી ‘સ્કાયમેટ’ના મતે, ચોમાસું ૮ જૂનથી પશ્ચિમી તટ પર સ્થિર હોવાથી મુંબઈ પહોંચતા હજુ ૭ થી ૮ દિવસ જેટલો સમય લાગી શકે છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૭ દિવસ માટે ગુજરાત, દીવ, દમણ અને દાદરા નગર હવેલી માટે કોઈ મોટું રેડ કે ઓરેન્જ એલર્ટ નથી, પરંતુ વિસ્તાર પ્રમાણે હવામાને જણાવ્યું છે કે ૧૭ જૂને સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે ૧૮ જૂને સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં પવન અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાંની સંભાવના વ્યક્ત કરાઈ છે, પરંતુ સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાત સુકું રહેશે. ૧૯ થી ૨૨ જૂને સમગ્ર ગુજરાત (ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ), દીવ, દમણમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.







































