ઉનાળાની કાળઝાળ ગરમીમાં જા લોકોને સૌથી વધુ કંઈ પસંદ હોય, તો તે છે ઠંડો-ઠંડો કેરીનો રસ. લગ્નપ્રસંગ હોય કે ઘરનું જમણવાર, કેરીના રસ વગર બધું અધૂરું લાગે છે. પરંતુ જા તમે બજારમાંથી લાવીને કે ડેરીઓમાંથી રસ ખરીદીને પીતા હોવ, તો હવે ભારે સાવધ થઈ જવાની જરૂર છે. મહેસાણામાંથી એક એવા સમાચાર સામે આવ્યા છે જે તમારી ચિંતા વધારી શકે છે. મહેસાણાના શોભાસણ ગામ નજીક આવેલી જાણીતી સકર ડેરીમાં ફૂડ વિભાગે દરોડા પાડીને મોટું કૌભાંડ ઝડપી પાડ્યું છે.
ગરમીની સીઝનની શરૂઆત થતાં જ ભેળસેળિયા તત્વો સક્રિય થઈ જતા હોય છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આવા તત્વોને પાઠ ભણાવવા માટે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે કમર કસી છે. મહેસાણાના શોભાસણ રોડ પર આવેલી સકર ડેરીમાં ફૂડ વિભાગની ટીમે ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ તપાસ દરમિયાન અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. ડેરીના પરિસરમાંથી ફૂડ વિભાગે નીચે મુજબનો શંકાસ્પદ અને અખાદ્ય જથ્થો જપ્ત કર્યો છે.
સ્થળ પરથી અંદાજે ૯૯૦ કિલો જેટલી અખાદ્ય અને સડી ગયેલી કેરીઓ મળી આવી હતી. ગ્રાહકોને પીરસવા માટે તૈયાર રાખવામાં આવેલો ૧૭૦ કિલો કેમિકલયુક્ત કે શંકાસ્પદ કેરીનો રસ ઝડપાયો હતો. આ સિવાય બાળકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક એવી ૧૨૦ લીટર પેપ્સી પણ મળી આવી હતી. ફૂડ વિભાગે સ્થળ પરથી અંદાજે ૧૨૦૦ કિલો જેટલો શંકાસ્પદ મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત રૂપિયા ૫૮,૧૦૦ આંકવામાં આવી રહી છે.
ફૂડ વિભાગની આ આકસ્મિક અને કડક કાર્યવાહીના પગલે મહેસાણા અને આસપાસના વિસ્તારના ડેરી સંચાલકો તેમજ વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. અધિકારીઓએ જપ્ત કરેલા રસ અને કેરીના સેમ્પલ લઈને તેને લેબોરેટરીમાં ટેસ્ટીંગ માટે મોકલી આપ્યા છે. ફૂડ વિભાગના જણાવ્યા અનુસાર, જા રિપોર્ટ નેગેટિવ આવશે અથવા તેમાં હાનિકારક કેમિકલની હાજરી જણાશે, તો ડેરી સંચાલકો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવશે.
બજારમાં મળતો સસ્તો કે તૈયાર રસ ઘણીવાર સડેલી કેરીઓ અને પ્રતિબંધિત કેમિકલ્સ (જેમ કે કાર્બાઇડ) નો ઉપયોગ કરીને બનાવવામાં આવતો હોય છે. આવો રસ પીવાથી ફૂડ પોઇઝનિંગ, ઉલ્ટી, ઝાડા કે પેટની ગંભીર બીમારીઓ થઈ શકે છે.