મોટી રકમની લોનની લાલચ આપી નાગરિકોને રાજસ્થાનના જયપુર ખાતે બોલાવી, હોટલમાં ગોંધી રાખી તેમજ ડરાવી-ધમકાવી તેમના બેંક ખાતાનો સાયબર ફ્રોડમાં ઉપયોગ કરતી આંતરરાજ્ય ગેંગના વધુ એક મુખ્ય સાગરીતને પકડી પાડવામાં અમરેલી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને મોટી સફળતા મળી હતી. પોલીસે ટેકનિકલ સોર્સના આધારે તપાસ કરીને આ કેસના આરોપીને વડોદરાના ડભોઈ ખાતેથી દબોચી લીધો હતો.અમરેલી સાયબર ક્રાઈમની ટીમ દ્વારા ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ હાથ ધરીને આરોપી ઝૈનુદ્દીન અબ્દુલહૈઈ સૈયદ (ઉં. વ. ૩૪, ધંધો- સોલાર ઇન્સ્ટોલેશન, રહે. બસેરા સોસાયટી, જનતાનગર પાસે, ડભોઈ, જિ. વડોદરા)ને ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી સાયબર ફ્રોડ આચરતા મુખ્ય અકાઉન્ટ ઓપરેટર અને નાણાં ઉપાડતી ટોળકી વચ્ચે ‘એકાઉન્ટ/કેશ હેન્ડલર’ તરીકેની મુખ્ય ભૂમિકા ભજવતો હોવાનું તપાસમાં બહાર આવ્યું હતું. તેણે ફરિયાદીને સબસિડીવાળી રૂપિયા ૨૫ લાખની લોન કરાવી આપવાની લાલચ આપી હતી. આ લાલચમાં આવી ગયેલા ફરિયાદીને જયપુર, રાજસ્થાન ખાતે બોલાવીને એક હોટલમાં ગોંધી રાખવામાં આવ્યા હતા. ત્યાં ફરિયાદીને ડરાવી-ધમકાવીને તેમના હસ્તકનું બેંક ખાતું પડાવી લેવામાં આવ્યું હતું. આ ખાતાનો ઉપયોગ સાયબર ફ્રોડના નાણાં મેળવવા અને સગેવગે કરવા માટે કરાયો હતો, જેમાં ટૂંકા ગાળામાં જ કુલ રૂ. ૪૬,૬૪,૫૯૭ના શંકાસ્પદ ટ્રાન્જેક્શન કરાયા હોવાનું ખૂલ્યું હતું.આ સમગ્ર ઓપરેશનમાં સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પી.આઈ. કે. એલ. ખટાણા, યુ.એચ.સી. હિરેનસિંહ ખેર, ટેકનિકલ એ.એસ.આઈ. પારસભાઈ મજેઠીયા અને આઈ.ટી. એક્સપર્ટ મલ્હારભાઈ હિરપરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી.

બેંક ખાતા વિરુદ્ધ અન્ય રાજ્યમાં પણ ફરિયાદ

આ ગુનામાં વપરાયેલ ખાતા વિરૂદ્ધ નેશનલ સાયબર ક્રાઇમ રિર્પોટિંગ પોર્ટલ પર અન્ય રાજ્યોમાંથી પણ ગંભીર ફરિયાદો નોંધાયેલી હતી. કર્ણાટકના હાવેરી અને મહારાષ્ટ્રના થાણે સિટી તેમજ
બૃહદ મુંબઈ સાયબર પોલીસ સ્ટેશન ખાતે આ જ ખાતા વિરૂદ્ધ અગાઉથી એફ.આઈ.આર. (FIR) દાખલ થયેલી હતી.