રાજકોટ શહેરમાંથી એક ચોંકાવનારી અને બાળ સુરક્ષા સામે ગંભીર સવાલો ઊભા કરતી ઘટના સામે આવી છે. શહેરના બાળ સંરક્ષણ ગૃહમાંથી એકસાથે કુલ ૧૨ બાળકો લાપતા થઈ જતાં વહીવટી તંત્ર અને પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે. સમગ્ર મામલો પોલીસ તપાસમાં બહાર આવતા જ ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તપાસમાં જોડાયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, આ તમામ બાળકો ગઈકાલે રાત્રે બાળ સંરક્ષણ ગૃહના મુખ્ય ગેટેથી જ કોઈને પણ જાણ કર્યા વગર બહાર નીકળી ગયા હતા. સુરક્ષા વ્યવસ્થા વચ્ચેથી આટલી મોટી સંખ્યામાં બાળકો કેવી રીતે ગાયબ થઈ ગયા, તે સુરક્ષા તંત્ર સામે મોટો સવાલ ખડો કરે છે.
લાપતા થયેલા કુલ ૧૨ બાળકોમાંથી એક બાળક સદનસીબે પરત ફરી આવ્યો છે. આ પરત આવેલા બાળકની પૂછપરછ દરમિયાન ચોંકાવનારી માહિતી સામે આવી છે. બાળકે જણાવ્યું કે અહીં રહેતા એક છોકરાએ જ અમને બધાને બહાર જવાનું કહ્યું હતું, જેના કહેવાથી અમે બધા રાત્રિના સમયે ત્યાંથી નીકળી ગયા હતા. પરત આવેલા બાળકના આ નિવેદન બાદ પોલીસ હવે એ દિશામાં તપાસ કરી રહી છે કે બાળકોને બહાર લઈ જનાર છોકરાનો આશય શું હતો અને તેની પાછળ કોઈ અન્ય વ્યક્તિનો હાથ છે કે કેમ.
૧૨માંથી ૧ બાળક પરત આવી ગયો છે, પરંતુ હજુ પણ ૧૧ બાળકો લાપતા છે. આ ઘટનાની ગંભીરતાને જાતા રાજકોટ પોલીસે તાત્કાલિક અલગ-અલગ ટીમો બનાવીને તમામ ૧૧ બાળકોની સઘન શોધખોળ શરૂ કરી દીધી છે. શહેરના બસ સ્ટેન્ડ, રેલવે સ્ટેશન અને આસપાસના સીસીટીવી ફૂટેજ ખંખાખવામાં આવી રહ્યા છે જેથી બાળકોની ભાળ મેળવી શકાય. બાળ સંરક્ષણ ગૃહ જેવી સંવેદનશીલ જગ્યાએથી એકસાથે આટલા બાળકો ગુમ થવા તે સુરક્ષા ક્ષતિ તરફ આંગળી ચિંધે છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ ક્યાં સુધીમાં બાકીના ૧૧ બાળકોને સુરક્ષિત રીતે શોધી કાઢે છે.