રાજકોટના ગોંડલ-ગુંદાળા રોડ પર આવેલી અવની ઓઈલ મિલમાં એક દર્દનાક અકસ્માત સર્જાયો હતો. મિલમાં ફરજ બજાવી રહેલા ૫૫ વર્ષીય મહિલા શ્રમિક શારદાબેન લક્ષ્મણભાઈ ખાંટનું ચાલુ મશીનમાં કપડું આવી જતાં અને અંદર ખેંચાઈ જતાં ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. મૂળ પંચમહાલના ગોલણપુર ગામના શારદાબેન પોતાના પરિવાર સાથે રોજગારી માટે આવ્યા હતા અને મિલમાં તેમની નોકરીનો આ બીજો જ દિવસ હતો.
વહેલી સવારે મશીનમાં ખોળ અટવાઈ જતાં શારદાબેન તેને સાફ કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમનું વસ્ત્ર મશીનના ફરતા ભાગમાં વીંટળાઈ જતાં તેઓ ક્ષણભરમાં જ અંદર ખેંચાઈ ગયા હતા. મશીનના સ્પેરપાટ્ર્સ ખોલી ભારે જહેમત બાદ તેમનો મૃતદેહ બહાર કઢાયો હતો. આ સમગ્ર ઘટના મિલના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. ગોંડલ પોલીસે ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે અને આ મામલે કાયદેસરની તપાસ શરૂ કરી છે.








































