છેલ્લા ૨૪ કલાકમાં ઝારખંડમાં વીજળી પડવાની અલગ અલગ ઘટનાઓમાં ત્રણ મહિલાઓ અને ૧૦ વર્ષના બાળક સહિત ઓછામાં ઓછા સાત લોકો માર્યા ગયા છે.આ માહિતી પોલીસે રવિવારે આપી હતી

મૃતકોમાંથી બે રાંચી અને ગઢવા જિલ્લાના હતા, જ્યારે અન્ય ઘટનાઓ ચતરા, ગિરિડીહ અને સરાઈકેલા-ખરસાવન જિલ્લામાં બની હતી. એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, “છેલ્લા ૨૪ કલાકમાં ઝારખંડના વિવિધ ભાગોમાં વીજળી પડવાથી ઓછામાં ઓછા સાત લોકોના મોત થયા છે.”

પિથોરિયા પોલીસ સ્ટેશનના સબ-ઇન્સ્પેક્ટર સત્યદેવ પ્રસાદે જણાવ્યું હતું કે રાંચી જિલ્લામાં મૃતકોની ઓળખ બાધુ ગામના રહેવાસી જીતુ મહાલી (૫૫) અને કટમકુલી ગામના રહેવાસી નિરાશો દેવી (૩૩) તરીકે થઈ છે. બંને ખેતરમાં કામ કરી રહ્યા હતા ત્યારે તેમને વીજળી પડી.

પોલીસે જણાવ્યું હતું કે બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે. વીજળી પડવાથી ગઢવા જિલ્લામાં પણ બે લોકોના મોત થયા હતા. મૃતકોની ઓળખ ખારોંધી પોલીસ સ્ટેશન વિસ્તારના સુંડી ગામની રહેવાસી રીના દેવી (૩૦) અને કેતાર પોલીસ સ્ટેશન વિસ્તારના મુકુંદપુર ગામના રહેવાસી રામ અવતાર પાલ (૬૫) તરીકે થઈ છે.

પોલીસ અન્ય જિલ્લાઓમાં પણ ઘટનાઓની તપાસ કરી રહી છે. સતત વરસાદ અને ખરાબ હવામાન વચ્ચે, વહીવટીતંત્રે લોકોને ખરાબ હવામાન દરમિયાન ખુલ્લી જગ્યાઓ અને ખેતરોથી દૂર રહેવા અપીલ કરી છે.