એશિયાટિક સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીર જંગલ અને તેની આસપાસના વિસ્તારોમાં પર્યાવરણીય નિયમોના કથિત ઉલ્લંઘનનો મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે. અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને વિવાદાસ્પદ મંજૂરીઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે. ગુજરાત રાજ્ય વન્યજીવન બોર્ડના વર્તમાન અને પૂર્વ સભ્યો તેમજ પર્યાવરણપ્રેમીઓએ આ મામલે ચિંતા વ્યક્ત કરી છે. ગીરના સંવેદનશીલ પર્યાવરણ અને સિંહોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને PM નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમજ કેન્દ્ર અને રાજ્ય સરકારના અધિકારીઓને પત્ર પાઠવી સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરવાની માંગ કરવામાં આવી છે.