ભારતમાં ઈથેનોલ પેટ્રોલનો વિકલ્પ બની શકે ?
અમેરિકા અને ઈરાન વચ્ચેના યુધ્ધના કારણે ક્રુડ ઓઈલના ભાવ વધ્યા અને પુરવઠો પણ ખોરવાયો તેના પગલે આખી દુનિયા પેટ્રોલીયમ પેદાશો પરની નિર્ભરતા ઘટાડવા માટે ગંભીરતાપૂર્વક વિચારી રહી છે. ભારતે પણ આ દિશામા વિચારણા શરૂ કરી તેમાં સૌથી વધારે ભાર ઈથેનોલ આધારિત ટેકનોલોજી પર મૂકાઈ રહ્યો છે. ભારતમાં અત્યારે ૨૦ ટકા ઈથેનોલ મિશ્રિત પેટ્રોલ (ઈ૨૦) વેચાય છે પણ નરેન્દ્ર મોદી સરકારે ૮૫ ટકા ઈથેનોલ ધરાવતું ફ્યુઅલ (ઈ૮૫) વપરાય એ માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આ દિશામાં પહેલું પગલું ભરીને દિલ્લીમાં પહેલો ૮૫ ટકા ઈથેનોલ ધરાવતા પેટ્રોલ (ઈ૮૫)નો પંપ શરૂ પણ કરી દેવાયો છે. મોદી સરકાર ટૂંક સમયમાં ઈ૮૫ ફ્યુલ અંગેના નિયમો પણ જાહેર કરશે. ભારતમાં ઈ૮૫ પર વાહનો ચલાવવા માટેનું પ્રાથમિક ટેસ્ટિંગ પણ સફળતાપૂર્વક પૂર્ણ કરી લેવામાં આવ્યું છે તેથી બહુ જલદી ઈથેનોલ આધારિત ફ્યુઅલ ટેકનોલોજીનો પ્રભાવ વધશે એ નક્કી છે.
આ વિચાર સારો છે અને દેશના ફાયદામાં પણ છે.
ઈથેનોલ ઘણા બધા પાકમાંથી બને પણ વિશ્વમાં મકાઈ અને શેરડી બે પાકમાંથી ઈથેનોલ બનાવવાનું પ્રમાણ વધારે છે. ભારતમાં પણ શેરડી અને મકાઈ બંનેનું જંગી પ્રમાણમાં ઉત્પાદન થાય છે તેથી ઈથેનોલ આધારિત ફ્યુઅલનો વિચાર ભારતમાં અમલી બનાવી શકાય એવો છે. આપણી પાસે જમીનનો પણ તુટો નથી ને લાખો એકર જમીન એમ જ પડી રહે છે. આ જમીનમાં ઈથેનોલ માટે જ શેરડી અને મકાઈનું ઉત્પાદન જંગી પ્રમાણમાં કરી શકાય. ભારત પાસ એ રીતે તમામ પ્રકારના સ્રોત છે તેથી ભારત માટે ઈથેનોલ સારો વિકલ્પ છે જ.
ભારતમાં ઈ૮૫ પેટ્રોલ કરતાં લીટરે ૨૦ રૂપિયા સસ્તું હશે પણ ઈ૮૫નો ઉપયોગ માત્ર ફ્‌લેક્સ-ફ્યુઅલ (Flex-Fuel) એન્જિનવાળા વાહનોમાં જ થઈ શકે છે. સામાન્ય અથવા ઈ૨૦ એન્જિનવાળી ગાડીઓમાં ઈ૮૫નો ઉપયોગ કરવાથી એન્જિનને મોટું નુકસાન થઈ શકે છે. ભારતમાં અત્યારે ફ્‌લેક્સ-ફ્યુઅલ બાઈક્સ લોંચ થઈ છે પણ હજુ કાર લોંચ નથી થઈ. ભવિષ્યમાં એવી કાર પણ આવી શકે એ જોતાં ઈ૮૫ની પહેલ સફળ થઈ શકે છે.

ફ્‌લેક્સ-ફ્યુઅલ શુધ્ધ ઈથેનોલ કરતાં સારો વિકલ્પ છે.
ડ્‌યુઅલ ફ્યુઅલ એટલે કે બે બળતણ પર ચાલતી કાર ફ્‌લેક્સ-ફ્યુઅલ કાર કહેવાય છે. ફ્‌લેક્સિબલ એટલે જરૂર પ્રમાણે વળી શકે એવું અને ફ્‌લેક્સ ફ્યુઅલ શબ્દ તેના પરથી આવ્યો છે. ફલેક્સ-ફ્યુઅલ કાર અથવા ડ્‌યુઅલ ફ્યુઅલ કારને હાયબ્રિડ કાર પણ કહે છે. ભારતમાં સીએનજી પર ચાલતી કાર ફ્‌લેક્સ-ફ્યુઅલ કાર છે.
મોટા ભાગની કારમાં થોડા પ્રમાણમાં પેટ્રોલનો વપરાશ થાય જ છે. પણ એ વપરાશ શુધ્ધ પણે પેટ્રોલ પર ચાલતી કારથી લગભગ અડધો કે તેનાથી પણ ઘણો ઓછો હોવાથી આર્થિક અને પર્યાવરણ બંનેને મોટો ફાયદો થાય છે. ઉદાહરણ તરીકે ભારતમાં સીએનજી પર ચાલતી કારને સ્ટાર્ટ કરવા પેટ્રોલ જરૂરી હોય છે. સીએનજી કારની ફ્યુઅલ ટેંકમાં પેટ્રોલ ના હોય તો કાર સ્ટાર્ટ ના થાય પણ કાર સ્ટાર્ટ કરવા વપરાતું પેટ્રોલ સીઓનજીના વપરાશના ૫ ટકા જેટલું જ હોય છે.
ભારતમાં બીજી કોઈ ફ્‌લેક્સ-ફ્યુઅલ કાર નથી પણ દુનિયામાં અલગ અલગ પ્રકારની ઘણી ફ્‌લેક્સ-ફ્યુઅલ કાર મળે છે. અમેરિકા-યુરોપના વિકસિત દેશોમાં હાયબ્રિડ વ્હીકલ્સ, સોલર સેલ, હાઈડ્રોજન સેલ વગેરે સેકન્ડ ફ્યુઅલ પર ચાલતાં વાહનો ધૂમ વપરાય પણ છે.
અમેરિકા સહિતનાં દેશોમાં હાયબ્રિડ કહેવાતી કારોમાં પેટ્રોલ-ડીઝલથી ચાલતા વાહનમાં બેટરી સતત ચાર્જ થતી રહે છે. બેટરી ફુલ ચાર્જ થઈ જાય એટલે પેટ્રોલ-ડીઝલના બદલે આપોઆપ વાહન બેટરી પર ચાલવા માંડે. અમેરિકા અને યુરોપમાં આવાં વાહનો મોટા પ્રમાણમાં વપરાય છે. ફ્રાન્સ જેવા દેશો તો સોલર સેલ પર ચાલતાં વાહનો પર લોકો વધુ ને વધુ પ્રમાણમાં વળી રહ્યા છે.ભારત પણ એ રસ્તે વળે તો જંગી ફાયદો થાય.

ભારત બીજું બ્રાઝિલ બની શકે? ઈથેનોલ આધારિત ફ્યુઅલના વપરાશમાં બ્રાઝિલ વર્લ્ડમાં ટોપ પર છે. બ્રાઝિલમાં અત્યારે રસ્તા પર દોડતી કારમાંથી ૨૦ ટકા કાર એવી છે કે જેમાં બળતણ તરીકે માત્ર ને માત્ર ઈથેનોલનો ઉપયોગ થાય છે. વાસ્તવમાં બ્રાઝિલ ઈથેનોલ આધારિત એન્જિન ટેકનોલોજીમાં પ્રણેતા છે. વિશ્વમાં ૧૯૭૦માં ક્રુડ ઓઈલની કટોકટી વખતે બ્રાઝિલે ઇથેનોલનો વાહનોમાં બળતણ તરીકે ઉપયોગ શરૂ કર્યો.
આ પ્રયોગ સફળ થતાં બ્રાઝિલની કાર કંપનીઓએ ઈથેનોલ આધારિત ટેકનોલોજી પર જ ધ્યાન કેન્દ્રિત કરી દીધું. સરકારે પણ પ્રો-આલ્કુલ પ્રોગ્રામ શરૂ કરીને આ પ્રકારની ટેકનોલોજીને પ્રોત્સાહન માટેની યોજનાઓ જાહેર કરી તેથી બ્રાઝિલમાં ઈથેનોલ મુખ્ય ફ્યુઅલ છે. આખા દેશને પૂરું પાડી શકાય એટલું ઈથેનોલ ના બનાવી શકાય તેથી ફ્‌લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ પર ધ્યાન કેન્દ્રિત કરાયું. આ ટેકનોલોજી એકદમ સફળ થઈ તેથી અત્યારે બ્રાઝિલમાં વેચાતી ૯૦ ટકાથી વધુ નવી કાર ફ્‌લેક્સિબલ-ફ્યુઅલ વ્હીકલ્સ (FFVs) છે. આ કાર પેટ્રોલ એટલે કે ગેસોલિન અને શેરડીમાંથી મેળવેલા ઇથેનોલ (ઈ૧૦૦) ના મિશ્રણ પર ચાલે છે.
બ્રાઝિલમાં પેટ્રોલમાં પણ ૩૦ ટકા ઈથેનોલ ભેળવવામાં આવે છે તેથી ઈથેનોલ જ મુખ્ય બળતણ છે. પહેલાં માત્ર ઈથેનોલ પર ચાલતી ને ઈથેનોલ ના હોય તો માત્ર ગેસોલિન એટલે કે પેટ્રોલ પર ચાલે ને ડ્રાઈવર ઈચ્છે તો થોડો સમય ઈથેનોલ ને થોડો સમય પેટ્રોલ પર પણ ચાલે એણ બે પ્રકારની ફ્‌લેક્સ-ફ્યુઅલ કાર હતી. બ્રાઝિલે ૨૦૦૦ના દાયકાની શરૂઆતમાં ફ્‌લેક્સ-ફ્યુઅલ ક્રાંતિ દ્વારા ઈલેક્ટ્રોનિક સેન્સરથી સજ્જ એન્જિન બનાવ્યાં. આ સેન્સર ક્યા પ્રકારનું બળતણ ટાંકીમાં છે તે શોધીને કમ્બશન કરાવે છે તેથી ઈથેનોલ વિનાનું પેટ્રોલ નાંખો કે ૧૦ ટકા ઈથેનોલ નાંખો તો પણ કાર ચાલે જ છે.
ભારતે પણ આ પ્રકારની ટેકનોલોજી વિકસાવવી પડે અથવા બ્રાઝિલની કંપનીઓની ભારતમાં એન્ટ્રી કરાવવી પડે. તેનું કારણ એ કે, ભારતમાં અને બ્રાઝિલમાં ઈથેનોલ બનાવવામાં શેરડીનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. અમેરિકામાં ઈથેમોલ બનાવવા માટે મકાઈનો વધારે ઉપયોગ થાય છે.
બ્રાઝિલમાં શેરડી અને મકાઈ બંને મોટા પ્રમાણમાં થાય છે પણ શેરડીમાંથી બનતું ઈથેનોલ વધારે સારું હોય છે તેથી બ્રાઝિલમાં મોટા ભાગનું ઈથેનોલ શેરડીમાંથી બને છે. ભારત પણ આ મોડલ અપનાવીને બ્રાઝિલની જેમ ઈથેનોલ આધારિત ફ્‌લેક્સ-ફ્યુઅલ ટેકનોલોજી અપનાવીને પેટ્રોલ પરની નિર્ભરતા ઘટાડી શકે, પર્યાવરણને શુધ્ધ રાખી શકે અને કરોડોનું વિદેશી હૂંડિયામણ પણ બચાવી શકે.

ભારત માટે શ્રેષ્ઠ વિકલ્પ બાયોફ્યુઅલ જ છે.
ઈથેનોલ એક પ્રકારનું બાયોફ્યુઅલ જ છે પણ સારા ઈથેનોલ માટે શેરડી અને મકાઈનું જંગી ઉત્પાદન કરવું પડે. તેનાથી ઓછી ગુણવત્તાનું બાયોફ્યુઅલ બીજા પાકમાંથી બની શકે તેથી ભારતે ઈથેનોલ ઉપરાંત બીજાં બાયોફ્યુઅલ તરફ પણ વળવું જોઈએ.
ભારત ખેતી પ્રધાન દેશ છે અને પુષ્કળ પ્રમાણમાં વનસ્પતિ થાય છે. તમામ પ્રકારની વનસ્પતિમાંથી બાયોફ્યુઅલ ના બને પણ ભારતમાં બાયોફ્યુઅલ બનાવી શકાય તેવી વનસ્પતિઓ પુષ્કળ પ્રમાણમાં થાય છે. આ વનસ્પતિઓને અલગ તારવીને ઉપયોગ કરાય તો આપણા માટે જંગી પ્રમાણમાં બાયોફ્યુઅલનું ઉત્પાદન સરળ છે. ભારતમાં ખાદ્યાન્ન અને રોકડિયા પાકો લેવાતા હોય તે સિવાયની ઘણી જમીન એવી છે કે જ્યાં બાયોફ્યુઅલ બનાવી શકાય એ પ્રકારની વનસ્પતિઓ ઉગાડી શકાય.
બાયોફ્યૂલ બનાવવા માટે સૌથી શ્રેષ્ઠ રતનજ્યોત (જત્રોફા) જેવાં ઝેરી ફળો આપતી વનસ્પતિ છે. રતનજ્યોત તો પડતર જમીનમાં પણ ઊગી નિકળે છે તેથી તેના માટે બહુ મહેનત કરવાની જરૂર નથી. રતનજ્યોતમાંથી સારી ગુણવત્તાનું બાયોડિઝલ બની શકે છે.
સોયાબીન જેવાં ખાદ્યાન્ન અને શેરડીના રસમાંથી પણ બાયોફ્યુઅલ બની શકે છે. શેવાળ, વાંસ, શેરડીનો કૂચ્ચો વગેરેમાંથી પણ બાયોફ્યુઅલ બની શકે. ભારતમાં અત્યારે સહકારી ક્ષેત્રની ઘણી સુગર ફેક્ટરીઓ બાયોફ્યુઅલ પ્લાન્ટ દ્વારા ઉર્જાની જરૂરીયાતો સંતોષે છે. ટૂંકમાં ભારત માટે બાયોફ્યુઅલ બનાવવું અઘરું નથી પણ સવાલ ટેકનોલોજીનો છે.

પેટ્રોલ-ડીઝલના બદલે માત્ર બાયોફ્યુઅલ પર ચાલતાં વાહનો બનાવવા માટેની ટેકનોલોજી ક્યાંથી લાવવી?
ભારત ટેકનોલોજીમાં સાવ પછાત છે. ટ્રક સહિતનાં મોટાં વાહનોમાં ભારતીય કંપનીઓનું વર્ચસ્વ છે પણ કાર તથા બીજાં વાહનોમાં વિદેશી કંપનીઓ છવાયેલી છે. ભારતમાં સૌથી વધારે વેચાતી મોટા ભાગની કાર વિદેશી છે. ભારતમાં માત્ર તેમના પ્લાન્ટ છે. ટાટાને બાદ કરતાં ભારત પાસે કોઈ મોટી કાર ઉત્પાદક કંપની નથી. સીએનજીથી ચાલતી કાર્સમાં પણ ઈટાલિયન બનાવટની સીએનજી કિટ વાપરીએ છીએ એ જોતાં ટેકનોલોજી ભારત માટે મોટી સમસ્યા છે. તેમાં પણ નવી ટેકનોલોજી તો ભારતમાં શોધાતી જ નથી.
ચાર વર્ષ પહેલાં નીતિન ગડકરીએ ફરજિયાતપણે ફ્‌લેક્સ-ફ્યુઅલ કારના ઉત્પાદનનો આદેશ આપવાની જાહેરાત કરેલી પણ એ આદેશ હજુ બહાર પડ્‌યો નથી. તેનું કારણ એ કે, કાર ઉત્પાદક કંપનીઓએ ફ્‌લેક્સ-ફ્યુઅલ કાર બનાવવા પોતાની પ્રોડક્શન લાઈન બદલવી પડે ને જંગી ખર્ચ કરવો પડે. કંપનીઓ એ માટે તૈયાર નહોતી ત્યારે શુધ્ધ બાયોફ્યુઅલ આધારિત ટેકનોલોજી તો ક્યાંથી લવાય ? હવે કંપનીઓ સમય જોઈને ફ્‌લેક્સ-ફ્યુઅલ વ્હીકલ્સ બહાર પાડવા માંડી છે એ સારું લક્ષણ છે. આ સંજોગોમાં ભારતમાં બાયોફ્યુઅલ માટેની સાવ નવી કોઈ ટેકનોલોજીના બદલે કંપનીઓ તૈયાર છે એ ઈથેનોલ આધારિત ફ્‌લેક્સ-ફ્યુઅલ્સ તરફ વળવું વધારે હિતાવહ છે.