ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની વનડે શ્રેણી ૧૩ જૂનથી શરૂ થવાની છે. શ્રેણીની પહેલી મેચ ધર્મશાળાના એચપીસીએ સ્ટેડિયમમાં રમાશે. શ્રેણી શરૂ થાય તે પહેલાં જ ટીમ ઈન્ડીયાને મોટો ઝટકો લાગ્યો છે. વિરાટ હેમસ્ટ્રીગ ઈજાને કારણે વનડે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે, અને તેના સ્થાને યશસ્વી જયસ્વાલને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. વિરાટે પોતાની ૧૮ વર્ષની કારકિર્દીમાં ઈજાને કારણે ભાગ્યે જ મેચ ગુમાવી છે.
અફઘાનિસ્તાન શ્રેણી પહેલા, વિરાટ કોહલી એક વર્ષથી વધુ સમયથી ફિટનેસ સમસ્યાઓના કારણે એક પણ મેચ ચૂક્યો ન હતો. વિરાટની છેલ્લી ફિટનેસ સમસ્યા ફેબ્રુઆરી ૨૦૨૫માં,આઇસીસી ચેમ્પીયન્સ ટ્રોફી પહેલા, ઈંગ્લેન્ડ સામેની વનડે શ્રેણી દરમિયાન થઈ હતી. નાગપુરમાં રમાયેલી વનડે મેચમાં, ઘૂંટણની ઈજાને કારણે વિરાટ પ્લેઈંગ ઈલેવનમાંથી બહાર થઈ ગયો હતો. તેની ઈજા ગંભીર ન હતી, તેથી તે બીજી વનડે માટે વાપસી કરી શક્યો.
કોહલીની ૧૮ વર્ષની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં આ પહેલી વાર છે જ્યારે તે ઈજાને કારણે આખી વનડે શ્રેણી ગુમાવી ચૂક્યો છે. અગાઉ, તે સાવચેતીના પગલા તરીકે અથવા વ્યક્તિગત કારણોસર ફક્ત વનડે મેચ ચૂક્યો હતો. નોંધનીય છે કે તે શારીરિક થાક અને વર્કલોડને કારણે માત્ર એક જ વાર મોટી ટુર્નામેન્ટમાંથી ખસી ગયો છે. તેણે ૨૦૧૮ ના એશિયા કપ દરમિયાન આરામ કરવાનો નિર્ણય લીધો, જે વનડે ફોર્મેટમાં રમાયો હતો, જ્યાં ભારતે ફાઇનલમાં બાંગ્લાદેશને હરાવીને ટાઇટલ જીત્યું હતું.
વિરાટ કોહલીએ ટેસ્ટ અને ટી ૨૦ આંતરરાષ્ટ્રીય મેચોમાંથી નિવૃત્તિ લીધી છે અને હવે તે ફક્ત આઇપીએલ અને વનડે ફોર્મેટમાં જ રમતા જાવા મળે છે. વિરાટ તાજેતરમાં ઉત્તમ ફોર્મમાં છે.આઇપીએલ ૨૦૨૬ માં તેણે ઘણા રન બનાવ્યા. તે ૧૬ મેચોમાં ૬૭૫ રન બનાવવામાં સફળ રહ્યો. તેણે જીટી સામેની ફાઇનલમાં મેચ-વિનિંગ અણનમ ૭૫ રનની ઇનિંગ રમી.












































