રાજકોટમાં યોજાયેલા બાબા બાગેશ્વર ધામના પીઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈને નવો વિવાદ ઊભો થયો છે. કાર્યક્રમ દરમિયાન કેટલાક લોકો ધૂણતા જાવા મળ્યા હોવાના મુદ્દે હવે વિજ્ઞાન જાથાએ સખત વાંધો ઉઠાવ્યો છે અને સમગ્ર ઘટનાને અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો છે.
વિજ્ઞાન જાથાના ચેરમેન જયંત પંડ્યાએ આ મામલે ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી તેમજ કાર્યક્રમના આયોજકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ સાથે પોલીસમાં અરજી કરી છે. સાથે જ સમગ્ર ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો કાર્યવાહી શરૂ થાય તે માટે પણ કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જણાવાયું છે.
જયંત પંડ્યાના જણાવ્યા મુજબ દિવ્ય દરબારમાં સર્જાયેલા દૃશ્યો કોઈ સ્વાભાવિક ઘટના નહીં પરંતુ પૂર્વયોજિત આયોજનનો ભાગ હોઈ શકે છે. તેમણે આક્ષેપ કર્યો છે કે લોકોમાં અંધશ્રદ્ધા વધે તે માટે કેટલાક લોકોને ખાસ બોલાવીને જાહેરમાં ધૂણવાનું નાટક કરાવવામાં આવ્યું હોઈ શકે છે. આવા કૃત્યો સમાજમાં વૈજ્ઞાનિક અભિગમને નુકસાન પહોંચાડે છે અને અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપે છે.
આ દરમિયાન કાર્યક્રમના આયોજક મંગેશ દેસાઈના એક નિવેદનને લઈને પણ વિવાદ વધુ વકર્યો છે. તેમણે જણાવ્યું હતું કે “અમે લોકોને ધૂણવા માટે કોઈ ઇન્જેક્શન આપ્યા ન હતા.” આ નિવેદન બાદ વિજ્ઞાન જાથાએ વધુ આક્રમક વલણ અપનાવ્યું છે. જયંત પંડ્યાએ કહ્યું કે આવા નિવેદનો ઘટનાની ગંભીરતાને ઓછી કરવાની કોશિશ સમાન છે અને સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થવી જાઈએ.
વિજ્ઞાન જાથાએ માંગ કરી છે કે કાર્યક્રમ દરમિયાન ધૂણતા દેખાયેલા લોકોની ઓળખ, તેમની પૃષ્ઠભૂમિ અને ઘટનાના સંજાગોની તપાસ કરવામાં આવે. જા કોઈ પ્રકારની છેતરપિંડી, ખોટા દાવા અથવા લોકોની ધાર્મિક લાગણીઓનો ઉપયોગ કરીને અંધશ્રદ્ધા ફેલાવવાનો પ્રયાસ થયો હોય તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
હાલ સમગ્ર મામલો રાજકોટ સહિત રાજ્યભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. એક તરફ સમર્થકો તેને ધાર્મિક અને આધ્યાત્મીક અનુભવ ગણાવી રહ્યા છે, જ્યારે બીજી તરફ વિજ્ઞાન જાથા અને કેટલાક સામાજિક કાર્યકરો સમગ્ર ઘટનાની પારદર્શક તપાસની માંગ કરી રહ્યા છે.







































