અમરેલી શહેરના શિક્ષણ ક્ષેત્ર માટે ગૌરવપૂર્ણ ક્ષણ રૂપે સરકારી માધ્યમિક શાળા, અમરેલી શહેરનો શુભ પ્રારંભ તા. ૯ જૂન, ૨૦૨૬ના રોજ કરવામાં આવશે. રાજ્યના ઊર્જા અને કાયદા વિભાગના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરીયાના હસ્તે યોજાનારા આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાવી શિક્ષણના નવા અધ્યાયની શરૂઆત કરાવવામાં આવશે. શહેરની પ્રથમ સરકારી માધ્યમિક શાળા તરીકે શરૂ થતી આ સંસ્થા વિદ્યાર્થીઓને ગુણવત્તાસભર, આધુનિક અને સર્વાંગી વિકાસલક્ષી શિક્ષણ પ્રદાન કરશે. કાર્યક્રમ સવારે ૧૧ઃ૩૦ કલાકે યોજાશે, જ્યારે વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા સવારે ૮ઃ૦૦થી ૧૧ઃ૩૦ કલાક સુધી હાથ ધરવામાં આવશે. શાળાનું હાલનું સંચાલન રોકડિયાપરા પ્રાથમિક શાળા, અમરેલી ખાતે કરવામાં આવશે. નવી શાળામાં અનુભવી શિક્ષકોનું માર્ગદર્શન, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળા, ડિજિટલ ક્લાસરૂમ, રમતગમતની સુવિધાઓ, સમૃધ્ધ પુસ્તકાલય તેમજ સંસ્કાર આધારિત શિક્ષણ પર વિશેષ ભાર મૂકવામાં આવશે.