માલવિયા નગરની એક હોટલમાં લાગેલી ભયાનક આગના કેસમાં દિલ્હી પોલીસે બીજા ફરાર આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી હોટલનો રસોઈયા છે. તપાસમાં બહાર આવ્યું છે કે રસોઈયાની બેદરકારી પણ આગમાં એક કારણભૂત હતી. પોલીસે અન્ય ઘણા વ્યક્તીઓની પણ અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરી રહી છે. પૂછપરછમાં આગ પાછળના કારણો ખુલી શકે છે.
દિલ્હી પોલીસે જણાવ્યું હતું કે ધરપકડ કરાયેલ બી એન્ડ બી શેફ કેશવ નેગી છે. તેના પિતા, બખાવર નેગી, ૬૫ વર્ષના છે અને દિલશાદ ગાર્ડનના રહેવાસી છે. આ કેસમાં તેમની પૂછપરછ અને તપાસ ચાલુ છે.
દિલ્હીના માલવિયા નગરમાં ફ્લોરિશ સ્ટે હોટેલમાં બુધવારે લાગેલી ભીષણ આગમાં ૨૧ લોકોના મોત થયા હતા. ઘણા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા અને તેમની સારવાર ચાલી રહી છે. અહેવાલો અનુસાર, માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોમાં ઘણા વિદેશીઓ પણ હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે બિલ્ડીન્ગમાં રહેતા મોટાભાગના લોકોના પરિવારના સભ્યો નજીકમાં આવેલી મેક્સ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા.
માલવિયા નગરમાં આગ લાગ્યા બાદ, પોલીસે કડક કાર્યવાહી કરી અને ફ્લોરિશ સ્ટે હોટેલના માલિક લવેકેશ બજાજની ધરપકડ કરી. પોલીસના જણાવ્યા અનુસાર, હોટલના સંચાલનમાં ઘોર બેદરકારી અને સલામતી ધોરણોની અવગણનાના આરોપો સામે આવ્યા છે. આગના કારણની તપાસ હાલમાં ચાલી રહી છે. પ્રથમ દ્રષ્ટિએ, શોર્ટ સર્કિટની શંકા છે, જ્યારે સિલિન્ડર બ્લાસ્ટ થવાની પણ વિચારણા ચાલી રહી છે.
માલવિયા નગર ઘટના બાદ, દિલ્હી વહીવટીતંત્રે તમામ બી એન્ડ બી અને ગેસ્ટ હાઉસનું નિરીક્ષણ શરૂ કર્યું છે. અધિકારીઓનું કહેવું છે કે નિયમોનું ઉલ્લંઘન કરનાર કોઈપણ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. દિલ્હી સરકારે બેડ-એન્ડ-બ્રેકફાસ્ટ (બી એન્ડ બી) યોજના માટે લાઇસન્સ આપવા પર પ્રતિબંધ મૂક્્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ યોજનાનો ઘણી જગ્યાએ દુરુપયોગ થઈ રહ્યો હતો. જ્યારે આ યોજના મહેમાનોને મહત્તમ છ રૂમ રાખવાની મંજૂરી આપતી હતી, ત્યારે લોકો ૨૦-૩૦ રૂમ સુધીની હોટલ ચલાવતા હતા.







































