રાજુલામાં દડો વાગવા મુદ્દે મહિલાઓ બાખડી હતી તેમજ ગાળો બોલીને જાનથી મારવાની ધમકી આપી હતી. આ અંગે ગંગાબેન માધવભાઈ ભાલીયા (ઉં.વ. ૩૪) એ લાભુબેન મુકેશભાઈ બારૈયા, નાનુબેન સામતભાઈ બારૈયા તથા હકુબેન સામતભાઈ બારૈયા સામે ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ, તેઓ તેમના ત્રણેય બાળકો સાથે તેમના મકાનની બહાર શેરીમાં બેઠા હતા. તે દરમિયાન આરોપી લાભુબેન બારૈયાનો છોકરો દડા વડે રમતો હતો. આ દડો ગંગાબેનના છોકરાને વાગતા તેઓ લાભુબેન બારૈયાને આ બાબતે કહેવા ગયા હતા. જે બાદ લાભુબેને નાનુબેન બારૈયા તથા હકુબેન બારૈયાને બોલાવી તેમને જેમ ફાવે તેમ ગાળો આપી હતી. ઉપરાંત જતી વખતે જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. રાજુલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એસ. બાંભણીયા વધુ તપાસ કરી રહ્યા છે.