લીલીયા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. સાળુંકેના માર્ગદર્શન હેઠળ બીટ ઇન્ચાર્જ અને સર્વેલન્સ ટીમે ટેકનિકલ સોર્સ તથા ખાનગી બાતમીના આધારે સીમ વાડી-ખેતરોમાં થયેલી કેબલ ચોરીનો ભેદ ઉકેલવામાં મોટી સફળતા મેળવી છે. પોલીસ ટીમ દ્વારા લીલીયા વિસ્તારના ખારા ગામથી સનાળીયા ગામ તરફ જવાના રસ્તા પર આવેલી અલગ-અલગ વાડીઓમાંથી કોપર વાયરની ચોરી કરનાર શાતિર આરોપીને ગણતરીના દિવસોમાં જ ઝડપી પાડવામાં આવ્યો છે. પકડાયેલ આરોપી બેચરભાઈ ઉર્ફે ભોડીયો સારાભાઈ પરમાર (ઉંમર વર્ષ ૨૮, ધંધો મજૂરી, રહેવાસી કુતાણા ગામ, તાલુકો લીલીયા) હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપી પાસેથી રૂપિયા ૧૩,૬૨૦/- નો ચોરીનો મુદ્દામાલ રિકવર કરી લીલીયા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનો સફળતાપૂર્વક પર્દાફાશ કર્યો છે.







































