વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં કેન્દ્ર સરકારના સફળ ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે અમરેલી જિલ્લામાં આગામી ૫ જૂનથી ૨૧ જૂન, ૨૦૨૬ દરમિયાન ભવ્ય જનકલ્યાણ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં આ કાર્યક્રમોને સુચારુ રૂપ આપવા માટે જરૂરી દિશાનિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે. આ ઉજવણીની શરૂઆત ૫ જૂને વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે ‘એક પેડ મા કે નામ’ અભિયાન હેઠળ વ્યાપક વૃક્ષારોપણ સાથે થશે. આ ઉપરાંત, જિલ્લાના વિવિધ પ્રવાસન અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર સ્થળોની સમીક્ષા માટે ‘પ્રગતિ યાત્રા’ અને પ્રબધ્ધ નાગરિકોના પ્રતિભાવો મેળવવા ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ યોજાશે. છેવાડાના નાગરિકોને સ્થળ પર જ સરકારી યોજનાઓનો લાભ આપવા ‘જનકલ્યાણ શિબિરો’ અને ખેડૂતોના માર્ગદર્શન માટે ‘પ્રાકૃતિક કૃષિ શિબિરો’નું વિશેષ આયોજન કરાશે. સમગ્ર જિલ્લામાં સ્વચ્છતા અભિયાન અને પાછલા ૧૨ વર્ષના વિકાસકાર્યોની પ્રદર્શની પણ યોજાશે. આ ઉત્સવનું સમાપન ૨૧ જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી સાથે થશે.








































