રાજુલાના મોરંગી એલ એન્ડ ટી વિસ્તારમાં રહેતા અને હીરા ઘસવાનું કામ કરતા અજયભાઇ પરષોતમભાઇ સોલંકી (ઉ.વ.૨૫)એ નરશીભાઇ પુંજાભાઇ સોલંકી સામે ફરિયાદ નોંધાવી હતી. જે મુજબ તેઓ તથા સાહેદ વિક્રમભાઇ કાંતીભાઇ સોલંકી માંડળ ગામે રમેશભાઇ કોળીના હીરાના કારખાનામાં હીરા ઘસવાનું કામ કરતા કરતા મસ્તી કરતા હતા. તેમની સાથે આરોપી નરશીભાઇ પુંજાભાઇ સોલંકી કામ કરતા હતા, જેણે તેમને ‘મસ્તી ન કરો અને કામ કરો’ તેમ કહી મા સામે ગાળ આપી હતી. જેથી તેમણે ગાળો આપવાની ના પાડતા આરોપીએ કહ્યું કે, ‘તારી મા મારી ભાભી થાય છે, હું તેને ગાળ આપી શકું.’ તેમ કહેતા તેમણે ‘તમારે ગમે તે સંબંધ થતો હોય પણ તમારાથી ગાળ ન અપાય’ તેમ કહી ગાળો આપવાની ના પાડી હતી. જેથી આરોપીને સારું નહીં લાગતા હીરા ઘસવાના લોખંડના અંગુરનો એક ઘા માથામાં મારી ત્રણ ટાંકા આવે તેવી ઈજા કરી હતી. ઉપરાંત, ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ડુંગર પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એમ. એલ. ભેરડા વધુ તપાસ કરી રહ્યા છે.