મહેસાણા જિલ્લાના વિજાપુર બેઠકના ધારાસભ્ય ડા. સી. જે. ચાવડા છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક કથિત ઓડિયો કલીપના કારણે વિવાદમાં આવ્યા હતા. આ વિવાદ બાદ હવે ધારાસભ્યે પોતે સોશિયલ મીડિયાના માધ્યમથી સત્તાવાર પ્રતિક્રિયા આપીને સમગ્ર ઠાકોર સમાજની સાચા હૃદયથી માફી માંગી લીધી છે અને દિલગીરી વ્યક્ત કરી છે.
વાયરલ ઓડિયો કલીપને પગલે ઠાકોર સમાજમાં વ્યાપેલી નારાજગીને ઠારવા માટે ડા. સી. જે. ચાવડાએ સોશિયલ મીડિયા પર એક નિવેદન જાહેર કર્યું હતું. જેમાં તેમણે જણાવ્યું હતું કે આપ સૌ મારી નીતિ-રીતિથી સારી રીતે પરિચિત છો. તેમ છતાં, જા આ ઘટનાથી સમાજની લાગણી દુભાઈ હોય અને સમાજને દુઃખ થયું હોય તો હું ક્ષમા ચાહું છું.”
પોતાના નિવેદનમાં ધારાસભ્યે ક્ષત્રિય ઠાકોર સમાજ પ્રત્યે આદર વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે, ક્ષત્રિય ઠાકોર સમાજનું ગૌરવવંતું સ્થાન મારા હૃદયમાં જન્મથી જ છે અને જીવનપર્યંત રહેશે. તેમણે ઠાકોર સમાજના ભાઈઓ સમક્ષ કોઈ પણ જાતના સંકોચ વિના સાચા હૃદયથી દિલગીરી વ્યક્ત કરી વિવાદનો અંત લાવવાનો પ્રયાસ કર્યો છે.
આ વિવાદસ્પદ ઓડિયો કલીપ પાછળ કોનો હાથ છે તે અંગે પણ ધારાસભ્યે સ્પષ્ટતા કરી છે. તેમણે ઉલ્લેખ કર્યો છે કે આ કથિત ઓડિયો કલીપ ક્યારે, ક્યા અને કોણે બનાવી છે, તેની પાછળની સાચી સચ્ચાઈ શું છે તે જાણવા માટે અત્યારે તપાસ ચાલી રહી છે.








































