સાબરકાંઠાઃ રાજ્ય સરકાર દ્વારા બાજરી, જુવાર અને મકાઈની ટેકાના ભાવે ખરીદી માટે જાહેર કરાયેલા પરિપત્રમાં અચાનક સુધારો કરવામાં આવતાં સાબરકાંઠા જિલ્લાના ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગત રાત્રે કરવામાં આવેલા આ ફેરફારને કારણે તૈયાર પાક લઈને આવેલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે.

પ્રારંભિક પરિપત્ર અનુસાર બાજરી માટે હેક્ટર દીઠ ૨૭૯૫ કિલો, જુવાર માટે ૧૮૫૦ કિલો અને મકાઈ માટે ૨૮૧૧ કિલોની ખરીદીનો પ્રસ્તાવ હતો. જોકે મોડી રાત્રે સરકારે નવો પરિપત્ર જારી કરીને આ મર્યાદાઓમાં ભારે કાપ મૂક્યો છે. નવા પરિપત્ર મુજબ હવે બાજરી માટે માત્ર ૨૦૦૦ કિલો, જુવાર માટે ૧૦૦૦ કિલો અને મકાઈ માટે ૧૫૦૦ કિલો જ હેક્ટર દીઠ ખરીદી થશે.

આ અચાનક નિર્ણયથી ખેડૂતોની સ્થિતિ ગંભીર બની છે. પાક તૈયાર થઈને બજારમાં આવી ચૂક્યો છે, પરંતુ નવા નિર્ણયને કારણે મોટા ભાગના પાકની ખરીદી અટકી પડી છે. ખેડૂતો કહે છે કે પરિપત્રમાં છેલ્લી ઘડીએ ફેરફાર કરવાથી તેઓનું ભારે નુકસાન થશે.

ભારતીય કિસાન સંઘ સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ આ નિર્ણયનો તીવ્ર વિરોધ કર્યો છે. સંગઠનોએ આવતીકાલે ગાંધીનગરમાં રાજ્ય સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરવાનું આહ્વાન આપ્યું છે. જો સરકાર આ મુદ્દે તાત્કાલિક સુધારો નહીં કરે તો વ્યાપક આંદોલનની તૈયારી શરૂ કરવામાં આવશે.

એક ખેડૂતે જણાવ્યું કે, “આખા વર્ષની મહેનત પછી પાક તૈયાર થયો. સરકારે પહેલા વધુ માત્રામાં ખરીદીનું વચન આપ્યું, અને હવે અચાનક કાપ મૂક્યો. આ અન્યાય છે.”

રાજ્ય સરકારે હજુ સુધી આ મામલે કોઈ સ્પષ્ટ વલણ સ્પષ્ટ કર્યું નથી. ખેડૂતોના વિરોધને ધ્યાનમાં લઈને જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો સાબરકાંઠા સહિત રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ આંદોલન વ્યાપી શકે તેમ છે.આ મામલે રાજ્ય સરકારની આગામી કાર્યવાહી પર તમામની નજર ટકેલી છે.