નશાના કારોબાર સામે પોલીસે લાલ આંખ કરી છે, ત્યારે અમદાવાદ શહેર પોલીસને ડ્રગ્સ માફિયાઓ વિરુદ્ધ એક મોટી સફળતા મળી છે. શહેરના નરોડા પોલીસ સ્ટેશનની ટીમે એક ચોક્કસ અને ગુપ્ત માહિતીના આધારે ઓપરેશન પાર પાડીને કરોડો રૂપિયાની કિંમતનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. પોલીસે નાના ચિલોડા વિસ્તારમાં વોચ ગોઠવીને ૭ કિલો ૮૪ ગ્રામ મેથામ્ફેટામાઇન ડ્રગ્સનો વિશાળ જથ્થો જપ્ત કર્યો છે. આંતરરાષ્ટ્રીય બજારમાં આ જપ્ત કરાયેલા ડ્રગ્સની અંદાજિત કિંમત ૧૪.૧૬ કરોડ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, ડ્રગ્સની હેરાફેરી કરવા માટે આરોપીએ અત્યંત શાતિર મગજનો ઉપયોગ કર્યો હતો. સામાન્ય રીતે સુરક્ષા એજન્સીઓની નજરમાં ન આવે તે માટે મેથામ્ફેટામાઇનના આ જથ્થાને સામાન્ય ખાદ્યપદાર્થોના પેકિંગમાં છુપાવવામાં આવ્યો હતો. આરોપી બિસ્કીટ, ચોકો ફિલ્સ અને અન્ય ખાણીપીણીની જાણીતી બ્રાન્ડ્સના પેકેટોનો ઉપયોગ કરીને ડ્રગ્સનું પરિવહન કરી રહ્યો હતો. જોકે, પોલીસની સચોટ બાતમી આગળ તેની આ ચાલાકી નિષ્ફળ સાબિત થઈ હતી.
કરોડોના ડ્રગ્સના આ મુદ્દામાલ સાથે પોલીસે ઘટનાસ્થળેથી એક શખ્સની અટકાયત કરી છે. પકડાયેલા આરોપીની ઓળખ સાજીદ શેખ હોવાનું સામે આવ્યું છે જે મૂળ મુંબઈનો રહેવાસી છે. નરોડા પોલીસે આરોપી વિરુદ્ધ ડ્રગ્સની હેરાફેરી બદલ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને તેની કાયદેસરની ધરપકડ કરી છે. જોકે આરોપીની વધુ પૂછપરછમાં મોટા ડ્રગ્સ નેટવર્કનો ખુલાસો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
પોલીસને પ્રાથમિક તપાસમાં શંકા છે કે, આટલી મોટી માત્રામાં મળેલો ડ્રગ્સનો જથ્થો માત્ર સ્થાનિક સ્તરે છૂટક વેચાણ માટે નહોતો. આની પાછળ એક આખું આંતરરાજ્ય ડ્રગ્સ સપ્લાય ચેઈન અને મોટું નેટવર્ક કામ કરી રહ્યું છે. હાલમાં પોલીસ આટલો મોટો ડ્રગ્સનો જથ્થો કયાથી અને કોની પાસેથી લાવવામાં આવ્યો હતો? અમદાવાદમાં આ જથ્થો કોને સપ્લાય કરવાનો હતો અને કયા સ્થાનિક પેડલર્સ આમાં સામેલ છે? મુંબઈથી અમદાવાદ સુધીના આ કનેક્શનમાં અન્ય કયા મોટા માથાઓ સંડોવાયેલા છે? તે અંગે નરોડા પોલીસ દ્વારા આરોપી સાજીદ શેખની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે. પોલીસને આશા છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ કેટલાક ચોંકાવનારા ખુલાસાઓ થશે અને આ રેકેટ સાથે જોડાયેલા અન્ય આરોપીઓની પણ વહેલી તકે ધરપકડ કરવામાં આવશે.








































