સુરતના સરથાણા પાસે આવેલા ગોવર્ધન ફાર્મ હાઉસ ખાતે સમસ્ત ગોંડલીયા (પટેલ) પરિવારના પાંચમા સ્નેહમિલન સમારોહનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત પરિવારના વડીલો દ્વારા દીપ પ્રાગટ્ય અને રાષ્ટ્રગાન સાથે થઈ હતી. આ સમારોહમાં ગુજરાતભરમાંથી જુદા જુદા ૧૪૫ ગામના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મહાનગરમાં વસતા અને વિવિધ વ્યવસાય સાથે સંકળાયેલા પરિવારો એક જ સ્થળે એકત્રિત થાય, પરસ્પર પારિવારિક ભાવના વધે અને નાણાં તેમજ સમયનો બચાવ થાય તેવા ઉમદા હેતુથી આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે ધોરણ ૧ થી ૧૨માં પ્રથમ ત્રણ ક્રમ મેળવનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું મંચ પરથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં મોટા કોટડાના ગોબરભાઈ ગોંડલીયાનું વિશેષ સન્માન કરાયું હતું, જ્યારે બાળકોએ ધાર્મિક અને સામાજિક વિષયો પર વક્તવ્ય આપ્યા હતા. પરિવારના મોભી શ્રી મનુભાઈ ગોંડલીયાએ શિક્ષણનું મહત્વ સમજાવી ઉચ્ચ અભ્યાસ કરવા પ્રેરણા આપી હતી અને વાલક પાટીયા પાસે નવનિર્મિત ‘જમનાબા ભવન’ને પરિવારનું ગૌરવ ગણાવ્યું હતું.