શહેરના અનાજ માર્કેટ યાર્ડ વિસ્તારમાં થોડા દિવસ પહેલા થયેલી રૂ. ૧.૪૬ કરોડની ફિલ્મી લૂંટનો ભેદ ઉકેલાયો છે. આ મામલે પોલીસે ગણતરીના દિવસોમાં ૪ આરોપીઓને ઝડપી પાડ્યા છે. પકડોલા લુંટારૂઓની ઓળખ અતુલ ભુરીયા, પરમેશ્વર પલાસ, ગોવિંદ મોહનીયા અને અલ્પેશ પણદા તરીકે થઈ છે. જેઓની પાસેથી લૂંટમાં ગયેલા ૧ કરોડ ૩૫ લાખ રૂપિયા રોકડા રીકવર કરાયો છે. ત્યારે હાલ આ લૂંટકાંડ મામલે પોલીસ તપાસમાં હચમચાવતા ખુલાસા કરી ફરાર ૪ આરોપીઓને પકડવા તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દાહોદ શહેરના અનાજ માર્કેટ યાર્ડ વિસ્તારમાં ૨૬ મેની સાંજના સમયે આંગડિયા પેઢીના કર્મચારીઓ રોજની જેમ રોકડ રકમ અને કિંમતી પાર્સલ લઈને જ્યુપિટર મોપેડ પર પોતાના રૂટ પર નીકળ્યા હતા. ત્યારે અચાનક બે મોટરસાયકલ ઝડપથી તેમની સામે આવી ઉભી રહી. કંઈ સમજાય એ પહેલાં જ ૬ જેટલા લૂંટારૂઓએ દંડા વડે હુમલો શરૂ કરી દીધો હતો અને રસ્તા પર ચીસો ગુંજી ઉઠી હતી. હુમલાખોરોએ કર્મચારીઓને નિર્દયતાથી માર મારી રોકડ ભરેલા થેલા અને સોનાના પાર્સલ છીનવી લીધા હતા. થોડા જ સેકન્ડોમાં ૧ કરોડ ૪૧ લાખ રૂપિયાની અને અન્ય ૫ લાખનો મુદ્દામાલ લૂંટ કરી આરોપીઓ અલગ અલગ દિશામાં ભાગી ગયા હતા. ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. દિવસના પ્રકાશમાં થયેલી આ કરોડોની લૂંટે દાહોદ પોલીસ માટે મોટો પડકાર ઉભો કર્યો હતા.
ઘટનાની જાણ થતાં જ દાહોદ જિલ્લા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એલસીબી, એસઓજી અને વિવિધ પોલીસ સ્ટેશનની ટીમોને તરત જ મેદાનમાં ઉતારવામાં આવી હતી. જિલ્લાના તમામ એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પર નાકાબંધી ગોઠવાઈ હતી. કમાન્ડ કંટ્રોલ “નેત્રમ” મારફતે સીસીટીવી અને ટેકનિકલ સર્વેલન્સ શરૂ કરવામાં આવ્યું હતું.પોલીસને એક મહત્વની બાતમી મળી કે, ત્રણ શંકાસ્પદ આરોપીઓ પલ્સર મોટરસાયકલ પર જાલત તરફ જઈ રહ્યા છે. દાહોદ રૂરલ પોલીસની ટીમે તરત જ રસ્તા પર આડાશ ગોઠવી હતી. પોલીસને જાઈ આરોપીઓ ગભરાઈ ગયા અને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. ઝડપમાં આરોપીઓએ પોલીસના ખાનગી વાહનને ટક્કર મારી દીધી હતી.
ભારે અથડામણ બાદ મોટરસાયકલ સ્લીપ થઈ જતા ત્રણેય આરોપીઓ રસ્તા પર પટકાયા હતા.પોલીસે તરત જ તેમને કાબૂમાં લઈ હોસ્પિટલ ખસેડ્યા હતા. ત્યાર બાદ શરૂ થઈ કરોડોની લૂંટના ભેદ ઉકેલવાની મોટી કાર્યવાહી. ટેકનિકલ તપાસ અને સતત પૂછપરછ દરમિયાન પોલીસે લુંટ કરનાર અતુલ ભુરીયા, પરમેશ્વર પલાસ અને ગોવિંદ મોહનીયા એમ ૩ અને રેકી કરનાર અલ્પેશ પણદા એમ ચાર આરોપીઓને ઝડપી પાડ્યા અને લૂંટમાં ગયેલા ૧ કરોડ ૩૫ લાખ રૂપિયા રોકડા રીકવર કર્યા છે.
તપાસમાં સૌથી ચોંકાવનારી વાત સામે આવી કે, આરોપીઓએ લૂંટ પહેલાં લાંબા સમય સુધી આંગડિયા પેઢીના કર્મચારીઓની હિલચાલ પર નજર રાખી હતી. રેકી કરનાર આરોપીઓએ દરેક માહિતી લૂંટારૂઓ સુધી પહોંચાડી હતી અને પછી પૂર્વ આયોજન મુજબ આખી લૂંટને અંજામ આપવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટનાએ એકવાર ફરી સાબિત કર્યું કે ગુનેગારો કેટલા પણ ચાલાક કેમ ન હોય, ટેકનોલોજી, પોલીસની સતર્કતા અને ઝડપી એક્શન સામે લાંબા સમય સુધી બચી શકતા નથી.દાહોદ જિલ્લામાં દિવસદાઢે બનેલી આ કરોડોની ફિલ્મી લૂંટનો ભેદ આખરે પોલીસે ઉકેલી નાખ્યો છે અને અન્ય ૪ ફરાર ઈસમો વિરૃધ્ધ પણ ગુન્હો નોંધી તપાસ વધુ તેજ કરાઈ છે.








































