બગસરા પંથકમાં માર્ગ પર રખડતા પશુઓના કારણે વધુ એક નિર્દોષ ચાલકે પોતાનો જીવ ગુમાવ્યો હોવાની ઘટના સામે આવી હતી. મોટરસાયકલ લઈને પસાર થઈ રહેલા એક શખ્સ આડે અચાનક કૂતરું આડું પડતાં બાઇક સ્લિપ થઈ ગઈ હતી. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ચાલકનું સારવાર દરમિયાન કરુણ મોત નીપજ્યું હતું. મોટા મુંજીયાસર ગામે રહેતા મૌલિકભાઇ રતિલાલ પાનસુરીયા (ઉ.વ.૩૦) એ જાહેર કર્યા મુજબ, રતિલાલ પરશોતમભાઇ પાનસુરીયા (ઉ.વ.૫૫) બગસરા અટલજી પાર્ક પાસેથી પસાર થતાં હતા ત્યારે અચાનક એક કૂતરું દોડીને બાઇક આડું આવી ગયું હતું. જેથી બાઇક રોડ પર સ્લિપ થઈ જતા માથા તથા શરીરે ઇજાઓ થતા સારવાર દરમ્યાન મરણ પામ્યા હતા. બગસરા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી ડી કલસરિયા વધુ તપાસ કરી રહ્યા છે.









































