શિક્ષણ સ્વપ્નદૃષ્ટા વસંતભાઈ ગજેરાનું વધુ એક પ્રેરણાદાયી કાર્ય
અમરેલીના જાણીતા શિક્ષણ દ્રષ્ટા અને પરોપકારી વ્યક્તિત્વ વસંતભાઈ ગજેરા દ્વારા આગામી ટૂંક સમયમાં અમરેલી ખાતે પણ ‘વાત્સલ્ય ધામ’ બનાવવાની ઉમદા નેમ વ્યક્ત કરવામાં આવી છે. વસંતભાઈ ગજેરાના આ પરોપકારી સંકલ્પને સમગ્ર પંથકના લોકોએ હૃદયપૂર્વક આવકારીને આવા સુંદર સામાજિક કાર્ય કરવા બદલ તેમને ખૂબ-ખૂબ અભિનંદન પાઠવ્યા છે. અમરેલીમાં લાઠી રોડ પર આવેલા ગુજરાત કેમ્પસ વિદ્યાસભા ખાતે આશરે ૮ એકરના વિશાળ સંકુલમાં આ વાત્સલ્ય ધામનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જે આગામી થોડાજ દિવસમાં સમાજના અનાથ અને નિરાધાર બાળકો માટે એક નવો સૂર્યોદય લાવશે. વસંતભાઈ ગજેરા સામાજિક સેવાની દીર્ઘકાલીન દૃષ્ટિ ધરાવે છે. સુરતના કામરેજ ખાતે છેલ્લા ૨૦ વર્ષથી સફળતાપૂર્વક વાત્સલ્ય ધામ ચલાવી રહ્યા છે, તેમજ ઓડિશા રાજ્યમાં પણ છેલ્લા ચાર વર્ષથી આવું જ વાત્સલ્ય ધામ અવિરત કાર્યરત છે. આ સેવાકીય પ્રકલ્પની મુખ્ય વિશેષતા એ છે કે તેમાં અનાથ અને નિરાધાર બાળકોને માત્ર આશરો જ નહીં, પરંતુ ઉચ્ચ કક્ષાનું શિક્ષણ પણ આપવામાં આવે છે.ધો. ૧ર માં અભ્યાસ પુર્ણ થાય ત્થા સુધી તેમની રહેવા-જમવાની સંપૂર્ણ સુવિધા વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. અહીં બાળકોને વિવિધ પ્રકારની વ્યાવસાયિક તાલીમ આપીને રોજગારી માટે આત્મનિર્ભર બનાવવામાં આવે છે, જેથી તેઓ સમાજમાં સન્માનભેર જીવી શકે. આ સંસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોને ગુનાખોરી અને વ્યસન જેવી સામાજિક બદીઓથી દૂર રાખીને તેમનામાં શ્રેષ્ઠ જીવન મૂલ્યોનું જતન કઈ રીતે કરવું તેની ગહન સમજણ આપવાનો છે. નિરાધાર બાળકોને આશરો આપી તેમના જીવન ઘડતર માટે યોગ્ય માર્ગદર્શન આપવું એ જ આ વાત્સલ્ય ધામની ખરી ઓળખ છે. જો આ ધામની આધુનિક
પ્રવૃત્તિઓ વિશે વાત કરીએ તો, તેમાં અત્યાધુનિક ટેકનોલોજી યુક્ત શિક્ષણ, તંદુરસ્ત શરીર અને મનના નિર્માણ માટેના વિશેષ વર્ગો, વિવિધ સહ-અભ્યાસિક પ્રવૃત્તિઓ, રમત-ગમત અને વૈવિધ્યસભર મનોરંજનના કાર્યક્રમોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બાળકોમાં સંસ્કાર સિંચન માટે સાંસ્કૃતિક અને દેશભક્તિના સમારોહ, વિવિધ તહેવારોની હર્ષોલ્લાસ સાથે ઉજવણી તેમજ શૈક્ષણિક પ્રવાસનું સુંદર આયોજન પણ કરવામાં આવે છે. સરળ સમાજના નિર્માણ માટે નિરાધાર બાળકોને તમામ પ્રકારની સુવિધાઓ સાથે ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવા ભગીરથ પ્રયાસો શિક્ષણના સ્વપ્નદ્રષ્ટા વસંતભાઈ ગજેરા દ્વારા સાકાર થઈ રહ્યા છે, જે અમરેલી માટે ગૌરવ સમાન છે.
ર૦ વર્ષ પહેલા ૩પ બાળકોથી વાત્સલ્ય ધામ શરૂ થયુ હતુ ઃ વસંતભાઈ ગજેરા
ર૦ વર્ષ પહેલાં માત્ર ૩૫ બાળકોથી શરૂ થયેલું વાત્સલ્ય ધામ આજે સુરત અને ઓરિસ્સાના પુરી શહેરમાં સફળતાપૂર્વક ધમધમી રહ્યું છે. ગજેરા પરિવારના વસંતભાઈ ગજેરાના જણાવ્યા મુજબ, અત્યાર સુધીમાં અંદાજે ૧૭૦૦ નિરાધાર બાળકોએ આ સંસ્થામાં આશરો લીધો છે. તેમાંથી ૮૦૦ બાળકો પોતાનો અભ્યાસ પૂર્ણ કરીને પગભર બન્યા છે, જ્યારે અન્ય ૯૦૦ બાળકો હાલમાં અહીં શિક્ષણ મેળવી રહ્યા છે. આ બાળકોને ઉત્તમ શિક્ષણ અને સંસ્કાર આપીને સમાજમાં સન્માનભેર જીવતા કરવા એ જ આ સંસ્થાનો મુખ્ય હેતુ છે. હવે આ શુભ આશય સાથે ગજેરા પરિવારે અમરેલી વિદ્યાસભા ખાતે નવા વાત્સલ્ય ધામનું નિર્માણ કરવાનો દ્રઢ સંકલ્પ કર્યો છે, જ્યાં બાળકોને રહેવા, જમવા અને અભ્યાસ સહિતની તમામ સુવિધાઓ સંપૂર્ણપણે વિનામૂલ્યે પૂરી પાડવામાં આવશે. વસંતભાઈ ગજેરાએ આ પુણ્યશાળી કાર્યમાં સહભાગી થવા અને સાથ-સહકાર આપવા માટે તમામ લોકોને હૃદયપૂર્વક અનુરોધ કર્યો છે.









































