અમરેલી જિલ્લામાંથી એક હૃદયદ્રાવક અને ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. વડિયાના ખડખડ ગામે આર્થિક સંકળામણ અને દેવાના બોજથી કંટાળીને એક ૪૫ વર્ષીય યુવાન ખેડૂતે મોતને વહાલું કર્યું છે. સતત બે વર્ષથી ખેતીમાં નિષ્ફળતા અને બેંકની ઉઘરાણીથી પરેશાન ખેડૂતે ઝેરી દવા પીને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે.
વડિયા તાલુકાના ખડખડ ગામે રહેતા ૪૫ વર્ષીય ખેડૂત અશ્વિનભાઈ નાથાભાઈ હિરપરા છેલ્લા બે વર્ષથી ભારે મુશ્કેલીમાં હતા. ખેતીમાં સતત કુદરતી આફતોને કારણે પાક નિષ્ફળ જતાં તેમની આર્થિક સ્થિતિ તદ્દન કંગાળ બની ગઈ હતી. મૃતક અશ્વિનભાઈ છેલ્લા ૧૦ વર્ષથી માનસિક રોગની દવા પણ લઈ રહ્યા હતા. આ દરમિયાન બેંકમાંથી લીધેલી લોન ભરપાઈ ન થઈ શકતા, બેંક તરફથી સતત ઉઘરાણીના ફોન આવી રહ્યા હતા, જેને કારણે તેઓ ભારે માનસિક તણાવમાં સરી પડ્યા હતા.
બેંકનું ધિરાણ ચૂકવવા માટે અશ્વિનભાઈ પોતાની જમીન વેચવા પણ મજબૂર બન્યા હતા. પરંતુ આ જમીન સંયુક્ત ખાતાની હોવાથી પરિવારના અન્ય સભ્યોએ જમીન વેચવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. દેવું ચૂકવવાનો કોઈ રસ્તો ન દેખાતા આ વાતનું મનમાં ભારે લાગી આવ્યું હતું અને આખરે લાચાર ખેડૂતે ઝેરી ટીકડા ગળી લીધા હતા.
ખેડૂતના આપઘાતની આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. ઘટનાની જાણ થતાં જ વડિયા પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડીને આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.










































