અમરેલી અહીં છૂટાછેડાના કેસની બાબતમાં પૂર્વ વેવાઈ પક્ષના લોકોએ એક
વૃધ્ધ પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મૂળ ધારીના માલસિકા ગામના અને હાલ અમરેલીમાં રહેતા દુર્લભભાઈ સનાભાઇ વાઘેલા (ઉ.વ.૫૨) એ બગસરાના ભલગામના દયાબેન ધીરુભાઈ સોલંકી તથા વિક્રમ ધીરુભાઈ સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.પોલીસ ચોપડે જાહેર થયેલી વિગત પ્રમાણે, દુર્લભભાઈના દીકરાના લગ્ન દયાબેન સોલંકી સાથે થયા હતા, જેમના છૂટાછેડા થઈ ગયા છે અને તે અંગેનો કેસ કોર્ટમાં ચાલુ છે. તે વાતનું મનદુઃખ રાખી બંને આરોપીઓ દુર્લભભાઈ જ્યારે ખેતરમાં કામ કરતા હતા ત્યારે ત્યાં આવ્યા હતા. આરોપીઓએ તેમના દીકરાને ગાળો આપી શરીરે ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમયે દુર્લભભાઈ વચ્ચે પડતાં આરોપીઓએ પાછળથી પથ્થરનો એક છૂટો ઘા તેમના માથાના પાછળના ભાગે માર્યો હતો, જેથી તેમને ત્રણ ટાંકા આવ્યા હતા. આ મામલે અમરેલી સિટી પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.વી. મકવાણા વધુ તપાસ કરી રહ્યા છે.











































