બગસરાના ડેરી પીપરીયા ગામે ગઈ કાલે એક કરુણ ઘટના સામે આવી હતી. વાડી વિસ્તારમાં રહેતા અને મૂળ મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના ટેમલા ગામના વતની જીગરભાઈ બાલસીંગભાઈ જાદવ (ઉ.વ.૩૨) હાલ માવજીંજવા ગામે બાવાભાઈ અરજણભાઈ ઠુમ્મરની વાડીએ મજૂરી કામ કરતા હતા. બુધવારે સવારે અગિયાર વાગ્યાની આસપાસ જીગરભાઈને તેમના પત્ની ઉષાબેન સાથે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બાબત મનમાં લાગી આવતા જીગરભાઈએ નજીકમાં આવેલી વાડીના કુવામાં પડતું મૂક્યું હતું. કુવામાં પડવાથી તેમના માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી અને પાણીમાં ડૂબી જવાથી તેમનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભાવનગર ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.









































