મિડલ ઈસ્ટના તણાવના મુદ્દે પેટ્રોલ-ડીઝલ પર આફત આવી છે. આ કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ ડીઝલનો સ્ટોક ખૂટી રહ્યો છે. તો કેટલાય પેટ્રોલ પંપ પર પેટ્રોલ-ડીઝલ નથી તેવા બોર્ડ લાગ્યા છે. આવામાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાજકોટના સાંસદ પરસોતમ રૂપાલાનું મહત્વનું નિવેદન આવ્યું છે.
પેટ્રોલ ડીઝલને લઈને પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે, હાલમાં આપણી પાસે ૪૦% જેટલો જથ્થો ઉપલબ્ધ છે. લોકોએ પણ પેટ્રોલ ડીઝલના જથ્થાનો વિવેક પૂર્ણ ઉપયોગ કરવો જાઈએ. કોઈએ ખોટું પેનિક ફેલાવવું જાઈએ નહિ. રાજ્ય સરકાર સાથે હાલમાં પરામર્શ ચાલી રહ્યું છે. કોઈએ ગભરાવાની જરૂર નથી. પેટ્રોલના સંગ્રહથી પણ દૂર રહેવું જાઈએ. આધાર સેવા કેન્દ્રના લોકાર્પણ દરમિયાન રૂપાલાએ આવું નિવેદન આપ્યું.
યુદ્ધની પરિસ્થિતિમાં ખેડૂતોને ડીઝલની મુશ્કેલી પડતી હોવા અંગે કિસાન સંઘના આર.કે. પટેલે કહ્યું કે, ખેડૂતોને ટ્રેકટર માટે ડીઝલ નથી મળી રહ્યું. રાજ્યના અનેક જિલ્લાઓમાંથી ડીઝલ ન મળતું હોવાની ફરિયાદો આવે છે. ખેડૂતો ડીઝલ માટે લાઈનમાં લાગેલો જાવા મળે છે. કેટલાક મંત્રીઓને રજુઆત માટે જઈએ ત્યારે તે સચિવાલય મળતા નથી. ખાતર માટે પણ ખેડૂત લાઈનમાં ઉભા ન રહેવું પડે તેવી વ્યવસ્થાઓ કરવી પડશે.
કિસાન સંઘે કહ્યું કે, ખેડૂતો માટે ડીઝલ માટે પેટ્રોલ પમ્પ અલગ લાઈન કરવી જાઈએ.આઇપીએલ અને ડાયરાઓ બંધ કરવા જાઈએ. રાજ્યમાં પેટ્રોલ ડીઝલની અછત છે. ખેડૂતોને ડીઝલ નથી મળી રહ્યું. સરકારને વિનંતી છે કે આઇપીએલ બંધ કરવામાં આવે. સાધુ સંતોને વિનંતી છે કે, રાજ્યમાં ડાયરો બંધ કરવામાં આવે.
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના રતનપુર સ્થિત પેટ્રોલ પંપ પર ઈંધણની અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે અસંતોષ જાવા મળી રહ્યો છે. પેટ્રોલ અને ડીઝલ મેળવવા માટે સવારથી જ ટ્રેક્ટર, જીપ, બાઈક સહિતના વાહનોની કિલોમીટર લાંબી કતારો લાગી હતી. આ સમગ્ર ઘટનાનો વીડિયો સ્થાનિકોએ બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ખેતીની સીઝન ચાલી રહી હોવા છતાં ડીઝલનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ ન હોવાથી મોટી સંખ્યામાં ખેડૂતો પેટ્રોલ પંપ પર ઉમટી પડ્યા હતા. અનેક ખેડૂતો અને વાહનચાલકો કલાકો સુધી લાઈનમાં ઉભા રહ્યા છતાં સમયસર ઈંધણ ન મળતાં રોષની લાગણી વ્યક્ત કરી હતી.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલ પંપ પર કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સુરક્ષા વચ્ચે ઈંધણનું વિતરણ ચાલુ રાખવામાં આવ્યું હતું. આ દરમિયાન પેટ્રોલ પંપ સંચાલકોએ ઈંધણ વિતરણ માટે નવી ટોકન વ્યવસ્થા અમલમાં મૂકી છે.જેમાં ખેડુત વાહન ચાલકોને ડીઝલની મર્યાદામાં ટોકન આપી રૂ.૨૦૦૦ સુધીનું ડીઝલ વિતરણ કરવામાં આવી રહ્યું છે. જાકે, કેટલાક ખેડૂતોનું કહેવું છે કે આ વ્યવસ્થા સંચાલકો માટે સુવિધાજનક સાબિત થઈ રહી છે. પરંતુ ખેડૂતો અને સામાન્ય ગ્રાહકો માટે હેરાનગતિનું કારણ બની રહી છે. તેથી પુરતા ઈંધણના પુરવઠા સાથે અસરકારક વ્યવસ્થા ગોઠવવાની માંગ ઉઠી રહી છે











































