ચલાલામાં એક જ સોસાયટીમાં રહેતા માસિયાઈ ભાઈઓ વચ્ચે બબાલ થઈ હતી. આ દરમિયાન મા-બહેન સામે ગાળો આપી, લોખંડના પાઇપના ઘા ઝીંકી એક યુવકનું કપાળ તોડી નાખવામાં આવ્યું હતું. આ અંગે જગદીશભાઇ કાળુભાઇ સીસણાદા (ઉ.વ. ૩૩)એ અતુલભાઇ ચંદુભાઇ વાઘેલા, દિલીપભાઇ ચંદુભાઇ વાઘેલા, રાજેશભાઇ ઉર્ફે ભાવેશભાઇ વાઘેલા, ચંદુભાઇ નાથાભાઇ વાઘેલા, બાલુભાઇ નાથાભાઇ વાઘેલા તથા ત્રણ મહિલાઓ સહિત કુલ ૯ લોકો સામે ફરિયાદ નોંધાવી હતી.પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, ફરિયાદી તથા આરોપીઓ માસિયાઈ ભાઈઓ થાય છે અને એક જ સોસાયટીમાં રહે છે. આરોપી અતુલભાઇ અવારનવાર સાહેદ મહિલાની પાછળ પાછળ જતો હતો અને મોબાઇલ ફોનમાં વાતો કરવાનું કહીને ધમકાવતો હતો. આ અંગે અતુલભાઇને સમજાવવા જતા આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ફરિયાદી તથા સાહેદને પોતાની મહિલાઓને કાબૂમાં રાખવાનું કહીને અપમાનિત કરી ધમકાવ્યા હતા.આરોપીઓ તેમને તથા સાહેદોને મા-બહેન સામે ભૂંડી ગાળો આપવા લાગ્યા હતા.
ફરિયાદીએ ગાળો બોલવાની ના પાડતા “અહીંયાથી જતો રહે, નહીંતર જોવા જેવી થશે” તેવી ધમકી આપી હતી. ફરિયાદીએ આરોપીને સમજાવતા કહ્યું કે, “આપણે માસિયાઈ ભાઈઓ છીએ અને આનાથી સમાજમાં બદનામી થશે.” આ સાંભળી આરોપીઓ વધુ ઉશ્કેરાઇ ગયા હતા અને ઘરમાંથી લોખંડનો પાઇપ લાવી કપાળ પર એક ઘા મારી ફરિયાદીને નીચે પછાડી દીધો હતો. આ સાથે જ “આ વખતે તમે ભાઈઓ બચી ગયા, હવે પછી સામે આવ્યા તો જાનથી મારી નાખીશું” તેવી ધમકી પણ આપી હતી.