એક હતો લાલ-ચટક ગોળ-મટોળ દડો. એનું નામ હતું ગોલુ. ગોલુને એક જગ્યાએ બેસી રહેવું જરાય ગમે નહીં. એને તો બસ કૂદવું અને ગબડવું બહુ ગમે!
એક દિવસ સવાર-સવારમાં મીંટુ એના આંગણામાં ગોલુ સાથે રમતો હતો. મીંટુએ હળવેકથી લાત મારી અને બોલ્યો, ‘‘જા ગોલુ, દોડ!’’ ગોલુ તો રાજીના રેડ થઈ ગયો! એણે તો લગાવી દોડ.
ટપ્પ… ટપ્પ… ટપ્પ… કરતો ગોલુ ગબડ્યો.
ગબડતાં ગબડતાં ગોલુ પહોંચ્યો બગીચામાં. ત્યાં એક જાડુંપાડું ગલુડિયું ઊંઘતું હતું. ગોલુ તો સીધો જઈને ગલુડિયાના નાક પર અથડાયો! ગલુડિયું ચમકીને જાગી ગયું – ‘ભઉં… ભઉં…!’ ગલુડિયાને લાગ્યું કે આ કોઈ ખાવાની વસ્તુ આવી. એણે તો દડા પાછળ દોટ મૂકી.
ગોલુ ગબડતો ગબડતો આગળ વધ્યો. સામે આવ્યું એક નાનું તળાવ. તળાવમાં બતકડું તરતું હતું. છબબબપ કરતો ગોલુ પાણીમાં જઈને પડ્યો!
અચાનક પાણીમાં ઊછળફૂદ થતી જોઈ બતકડું તો ડરી ગયું, ‘‘ક્વેક… ક્વેક… આ શું પડ્યું?’’
ગોલુ કહે, ‘‘એ તો હું ગોલું! હું તો દડો છું, ગોળ ગોળ દડો છું!’’
પણ દડો કાંઈ પાણીમાં રહે ખરો! એ તો તરતો તરતો કિનારે આવીન ગયો અને ભસર નીકળી ગયો. હવે ગોલુ થોડો ભીનો થયો હતો, એટલે ગબડતી વખતે અવાજ આવતો હતો – ‘લિપિચ… લિપિચપ’
ગબડતો ગબડતો તે બગીચામાં પહોંચ્યો. અહીં એક મોટું ઝાડ હતું. ઝાડ પર ખટપટ વાંદરો બેઠો હતો. એણે જોયું કે નીચે લાલ-લાલ કાંઈક ગબડે છે. એને લાગ્યું કે આ તો મોટું સફરજન છે! વાંદરાભાઈ તો નીચે કૂદ્યા અને દડાને પકડવા ગયા. પણ જેવો એણે ગોલુને હાથ અડાડ્યો કે ગોલુ તો હાથમાંથી લપસી ગયો! વાંદરાભાઈ તો જોતા જ રહી ગયા. ગોલુ હસવા લાગ્યો, “પકડી ના શક્યા ભાઈ પકડી ના શક્યા!”
ગોલુ હવે ગબડી ગબડીને થાક્યો હતો. રસ્તામાં એક દાદીમાં શાકભાજીની ટોપલી લઈને બેઠાં હતાં. ટોપલીમાં રીંગણ, બટાકા અને લાલ-લાલ ટામેટા હતાં. ગોલુએ જોયું, ‘‘અરે! આ બધાં તો મારા જેવાં ગોળ-ગોળ છે! લાવ હું એમની વચ્ચે જઈને બેસી જાઉં!’’
ગોલુએ લાંબી ફલાંગ લગાવી અને સીધો દાદીની ટોપલીમાં જઈને બેસી ગયો. ટામેટાની બાજુમાં ગોલુ એવી રીતે ગોઠવાઈ ગયો કે દાદીને ખબર જ ના પડી!
થોડી વારમાં મીંટુ શોધતો શોધતો ત્યાં આવી ચડ્યો. એણે જોયું કે ગોલુ ટામેટાની વચ્ચે છૂપાઈને બેઠો છે અને મીંટુને જોઈને મલકાતો હતો. પોતાના મિત્ર ગોલુને જોઈ તે રાજીરાજી થઈ ગયો. એણે તરત બૂમ પાડી, “અરે આ તો મારો ગોલુ! ગોલું તું તો અહીં ટોપલીમાં ખરો છૂપાયો છે ને! હું તને ક્યારનોય શોધું છું! ચાલ, મારી સાથે!” એણે ગોલુને પકડ્યો અને લઈ ગયો. ગોલુ પણ પોતાના મિત્રને જોઈ મરકમરક હસવા લાગ્યો. ર્સ્ ૯૦૯૯૧૭૨૧૭૭











































