અમરેલીના મુલતાની સાહેબની કોર્ટે નેગોશિએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ એક મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ કેસની ટૂંકી હકીકત મુજબ, ફરિયાદી ભરતભાઈ રામજીભાઈ કાતરીયા અને આરોપી વિજયભાઈ ભીખાભાઈ જાદવ વચ્ચે મિત્રતાનો સંબંધ હતો. આરોપીએ વાહનના ઉપયોગ અને અન્ય નાણાકીય વ્યવહારના બહાને ફરિયાદીનો વિશ્વાસ જીતી રૂપિયા ૧,૫૦,૦૦૦/- લીધા હતા. આ રકમ પરત ચૂકવવા માટે આરોપીએ આપેલો ચેક બેંકમાં “અપૂરતા ભંડોળ” કારણે પરત ફર્યો હતો. કાયદેસરની નોટિસ આપવા છતાં રકમ ન ચૂકવાતા ફરિયાદીએ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી તરફે વકીલ સંજયકુમાર આર. કાતરીયાએ રજૂ કરેલા પુરાવા અને બેંક દસ્તાવેજોને આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવ્યો હતો. અદાલતે નાણાકીય વ્યવહારોમાં વિશ્વસનીયતા જાળવવાના મહત્વપૂર્ણ અવલોકન સાથે આરોપીને એક વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ સાથે જ ફરિયાદીને રૂપિયા ૧,૫૦,૦૦૦/-નું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે, જે ન ચૂકવે તો આરોપીએ વધારાની સજા ભોગવવી પડશે.






































