કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં ખરીફ પાક માટે ટેકાના ભાવમાં કરવામાં આવેલા વધારાને વધાવવા માટે અમરેલી જિલ્લાના નેતાઓ જાણે મેદાનમાં ઉતરી આવ્યા છે. સોશિયલ મીડિયાથી લઈને અખબારી યાદીઓ સુધી, સરકારના ગુણગાન ગાવા માટે નેતાઓની હોડ જામી છે. પરંતુ આશ્ચર્ય અને આઘાતની વાત એ છે કે, આ જ નેતાઓ ખેતીના પાયા સમાન ગણાતા ખાતરના ભાવમાં થયેલા તોતિંગ વધારા અંગે એક શબ્દ પણ બોલવા તૈયાર નથી. જ્યારે સરકાર ટેકાના ભાવમાં નજીવો વધારો કરે છે ત્યારે ‘બિલાડીના ટોપની જેમ’ ફૂટી નીકળતા આ નેતાઓ, ખાતરના વધેલા ભાવના મુદ્દે અત્યારે ભેદી મૌન સેવીને બેઠા છે. અમરેલી જિલ્લા સહિત સમગ્ર રાજ્યનો ખેડૂત આજે ચિંતાતુર છે, છતાં કોઈ પણ ભાજપના નેતા આ ભાવવધારા સામે કેન્દ્ર સરકારમાં રજૂઆત કરવાની હિંમત દાખવતા નથી. એવું લાગી રહ્યું છે કે જાણે આ નેતાઓ પક્ષના મોવડીમંડળ સામે રજૂઆત કરતા ડરી રહ્યા છે અથવા તો તેમને ખેડૂતોની પીડા કરતા સત્તા વધુ વ્હાલી છે.વર્તમાન પરિસ્થિતિ એવી છે કે આગામી ચોમાસુ પાકની તૈયારીઓ શરૂ થઈ રહી છે. ખેડૂત બિયારણ અને ખેડની ચિંતા કરે કે ખાતરના આસમાને પહોંચેલા ભાવોની? ખાતરના ભાવમાં બેફામ વધારો ઝીંકીને તેની સામે ટેકાના ભાવમાં સામાન્ય વધારો કરવો એ ખેડૂતો સાથે ક્રૂર મજાક સમાન છે. અમરેલી જિલ્લાના નેતાઓ અત્યારે માત્ર સરકારના વખાણ કરવામાં જ વ્યસ્ત છે, પરંતુ વાસ્તવિકતા એ છે કે જિલ્લામાં ઘણા સમયથી ખાતરનો પૂરતો જથ્થો પણ ઉપલબ્ધ નથી. ખેડૂતોને લાઇનોમાં ઉભા રહેવું પડે છે અથવા તો કાળાબજારનો સામનો કરવો પડે છે. આ ગંભીર મુદ્દે રજૂઆત કરવાને બદલે નેતાઓ માત્ર અખબારના માધ્યમથી પોતાની હાજરી પુરાવી રહ્યા છે.અમરેલી જિલ્લાના પાંચ ધારાસભ્યો અને સાંસદ પોતે ખેડૂત છે. જે નેતાઓ ખેતી અને ખેડૂતના નામે મતો મેળવીને સત્તાના સ્થાને પહોંચ્યા છે, તેઓ જ આજે ખેડૂતોની આર્થિક કમર તૂટતી જોઈને મૌન છે. શું આ નેતાઓને કેન્દ્ર સરકારમાં રજૂઆત કરતા ફાળ પડી રહી છે? જે ઉત્સાહથી તેઓ ટેકાના ભાવને આવકારી રહ્યા છે, તે જ ઉત્સાહ અને હિંમતથી જો તેઓ ખાતરના ભાવ ઘટાડવાની માંગ કરે તો જ તેઓ સાચા ખેડૂત ગણાશે. હાલ તો ખાતરના આસમાની ભાવ અને નેતાઓની ઉદાસીનતાને કારણે જગતના તાતમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ભાજપ તો ઠીક વિપક્ષોએ પણ આ બાબતે પોતાના મોઢા સીવી લીધા છે. જેથી નેતાઓના આ ભેદી મૌનથી ખેડૂતો પોતે પોતાને નિઃસહાય અનુભવી રહ્યા છે.