અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની જવાબદારી સંભાળતા એક પોલીસ અધિકારીને જ પોતાની મિલ્કત બચાવવા માટે પોલીસ સ્ટેશનના ચક્કર કાપવાની ફરજ પડી છે. શહેરના ન્યૂ સીજી રોડ વિસ્તારમાં આવેલા એક ફ્લેટ મામલે ડીવાયએસપી અશોકસિંહ ગોહિલે ત્રણ મહિલાઓ સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે.
માહિતી અનુસાર, ડીવાયએસપી અશોકસિંહ ગોહિલે માર્ચ ૨૦૨૦માં ન્યૂ સીજી રોડ નજીક આવેલો અંદાજે ૯૫ લાખ રૂપિયાનો ફ્લેટ વેચાણ દસ્તાવેજ દ્વારા ખરીદ્યો હતો. ફ્લેટ ખરીદ્યા બાદ તેમાં રહેતી ત્રણ મહિલાઓએ પોતાની દીકરીઓની પરીક્ષા પૂર્ણ થાય ત્યાં સુધી થોડો સમય રહેવા દેવાની વિનંતી કરી હતી. માનવતાના ધોરણે ગોહિલે તેમને સમય આપ્યો હતો. પરંતુ ત્યારબાદ કોરોના મહામારી અને લોકડાઉનનો સમય શરૂ થતાં મહિલાઓ ફ્લેટ ખાલી કરવામાં ટાળટૂળ કરતી રહી. ડીવાયએસપી ગોહિલે અનેક વખત મૌખિક તેમજ અન્ય રીતે ફ્લેટ ખાલી કરવા રજૂઆતો કરી હોવા છતાં મહિલાઓએ મિલ્કતનો કબજા છોડ્યો ન હતો.આખરે મામલો ગંભીર બનતા ડીવાયએસપી ગોહિલે લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાર્યવાહી માટે અરજી કરી હતી. કલેક્ટરના આદેશ બાદ ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ત્રણ મહિલાઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ, હાલ સમગ્ર મામલાની વધુ તપાસ એસીપી ડી.વી. રાણાને સોંપવામાં આવી છે. તપાસ દરમિયાન મિલ્કતના દસ્તાવેજા, રહેઠાણની પરિÂસ્થતિ તેમજ કબજાને લગતા તમામ પાસાઓની તપાસ કરવામાં આવશે. આ ઘટના શહેરમાં મિલ્કત કબજાના વધતા વિવાદો અને કાયદાકીય પ્રક્રિયાઓ અંગે અનેક પ્રશ્નો ઉભા કરી રહી છે.








































