ઉના શહેરમાં પોલીસે દારૂબંધીના કાયદાનું કડક પાલન કરાવવા માટે સપાટો બોલાવ્યો છે જેના ભાગરૂપે બે અલગ-અલગ સ્થળોએ સફળ ઓપરેશન પાર પાડી કુલ રૂ.૨,૪૨,૦૦૦નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ પી.આઇ. જે.કે. મોરી અને તેમની ટીમે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હતી. પ્રથમ કિસ્સામાં દેલવાડા ગામ પાસે વોચ ગોઠવીને જ્યુપિટર મોપેડની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેમાં પોલીસે સેજનભાઈ ઉર્ફે નફક સોરઠિયા નામના શખ્સની ધરપકડ કરી છે જ્યારે તેનો સાથીદાર મહંમદ શાબીર નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. બીજા બનાવમાં પારેખ ચોક વિસ્તારમાંથી મહેન્દ્રસિંહ ગોહિલ નામના શખ્સને વિદેશી દારૂ અને બિયરના ટીન સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે બંને ગુનામાં વાહનો, મોબાઈલ ફોન અને દારૂનો જથ્થો મળીને કુલ રૂ.૨.૪૨ લાખની મતા કબજે કરી છે અને ફરાર આરોપીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.