લાઠી તાલુકાના હરસુરપુર દેવળિયા ગામે જમીન બાબતે ચાલી રહેલા જૂના વિવાદમાં એક શખ્સે ઉશ્કેરાઈને ફરિયાદીને ગાળો આપી, છરી વડે હુમલો કરવાનો પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે હાલ સુરત રહેતા મૂળ હરસુરપુર દેવળિયા ગામના બિપિનભાઈ કાળુભાઈ દેવાણીએ ભરતભાઈ ભગવાનભાઈ દેવાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેમના પરિવાર અને આરોપી વચ્ચે છેલ્લા લાંબા સમયથી જમીન બાબતે તકરાર ચાલતી હતી. આશરે છ મહિના પહેલા તેમના પિતાએ આરોપી વિરુદ્ધ પોલીસમાં અરજી કરી હતી. આ અરજીનો ખાર રાખીને આરોપી ફરિયાદી સાથે અવારનવાર ઝઘડો કરતો હતો. તેઓ ઘરે હાજર હતા ત્યારે આરોપીએ જૂની અદાવત રાખીને ગંદી ગાળો બોલવાનું શરૂ કર્યું હતું. વિવાદ વધતા આરોપીએ ઉશ્કેરાઈને પોતાની પાસે રહેલી છરી કાઢી હતી અને તેમને મારવા માટે પાછળ દોડ્‌યો હતો.