ભારતની મુલાકાત લેતા, રશિયન વિદેશ મંત્રી સેરગેઈ લવરોવે મીડિયા બ્રીફિંગ દરમિયાન ભારતની રાજદ્વારી ભૂમિકાની પ્રશંસા કરી. તેમના નિવેદનના અનુવાદમાં જાણવા મળ્યું છે કે પાકિસ્તાન હાલમાં વર્તમાન તણાવ અને તાણપૂર્ણ મુદ્દાઓને ઉકેલવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે વાતચીત સ્થાપિત કરવામાં મદદ કરી રહ્યું છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જો લાંબા ગાળે કાયમી મધ્યસ્થીની જરૂર પડે, તો ભારત આ ભૂમિકા ભજવી શકે છે. રશિયાએ જણાવ્યું હતું કે ભારત પાસે વ્યાપક રાજદ્વારી અનુભવ અને વૈશ્વીક સ્તરે વાતચીત સ્થાપિત કરવાની ક્ષમતા છે.

બ્રિક્સ વિદેશ પ્રધાનોની બેઠક દરમિયાન, તેમણે કહ્યું કે ભારત અને રશિયા બંને દેશો વચ્ચેના વેપાર અને રોકાણ પર ત્રીજા દેશોના બિનમૈત્રીપૂર્ણ દબાણ અને પ્રતિબંધોની અસરને ઘટાડવા માટે ખાસ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવવા માટે કામ કરી રહ્યા છે.

પ્રેસ કોન્ફરન્સમાં, લવરોવે જણાવ્યું હતું કે તેમણે વિદેશ પ્રધાન એસ. જયશંકર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વ્યાપક ચર્ચા કરી હતી. તેમણે કહ્યું કે બંને દેશો વચ્ચેની ચર્ચા રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન અને વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અગાઉના શિખર સંમેલનો દરમિયાન સંમત થયેલા મુખ્ય ક્ષેત્રો પર કેન્દ્રિત હતી.

લાવરોવે જણાવ્યું હતું કે ભારત અને રશિયાએ વેપાર, અર્થતંત્ર અને રોકાણના ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. બંને દેશો પશ્ચિમી દેશોના પ્રતિબંધો અને આર્થિક દબાણ પર નિર્ભરતા ઘટાડવા માટે પદ્ધતિઓ વિકસાવવા માટે કામ કરી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે બંને દેશોએ ૨૦૩૦ સુધીમાં દ્વિપક્ષીય વેપારમાં ૧૦૦ બિલિયન સુધી પહોંચવાનું લક્ષ્ય રાખ્યું છે. આર્થિક એકીકરણને પ્રોત્સાહન આપવા માટે પરિવહન કોરિડોર અને કનેકટીવિટીને મજબૂત બનાવવા પર પણ ચર્ચાઓ કેન્દ્રિત હતી.

રશિયન વિદેશ પ્રધાનના નિવેદનને યુનાઇટેડ સ્ટેટ્‌સ દ્વારા લાદવામાં આવેલા પારસ્પરિક ટેરિફ અને અન્ય આર્થિક પ્રતિબંધોના સંદર્ભમાં જોવામાં આવી રહ્યું છે. વૈશ્વીક આર્થિક અનિશ્ચિતતાઓ વચ્ચે ભારત અને રશિયા વૈકલ્પીક નાણાકીય અને વેપાર વ્યવસ્થા વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાનું માનવામાં આવે છે.